મોરબી: મોરબીના માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિન શાકભાજીના હોલસેલ વેચાણ સમયે ભારે ભીડ જામતી હોય છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નહીં હોવાથી આજે પોલીસ દ્વારા શાકભાજીના વિક્રેતાઓ સાથે મિટિંગ યોજીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજે યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા અને એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરીની ઉપસ્થિતિમાં શાકભાજીના વિક્રેતાઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી.
માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી વિક્રેતાઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યના અન્ય જિલ્લાઓમાં શાકભાજી વેચાણ કરતા વ્યક્તિમાં કોરોના પોઝીટીવ આવતા તે અંગે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
મિટિંગ અંગે એ ડીવીઝન પીઆઈ આર. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં હોલસેલ શાકમાર્કેટમાં સવારે ભીડ થતી હોય છે. જેથી સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત રિટેઈલ વેપારીઓ ખરીદી અર્થે ના આવે તેવી તકેદારી રાખવામાં આવી રહી છે. શાકભાજીના વાહનો યોગ્ય અંતરમાં લાઈનમાં ઉભા રાખવા કડક સૂચના આપી છે. સાથે જ યાર્ડના ગેટ બહાર ઉભા રહેનાર લારીધારકોને ત્યાંથી ખસેડવામાં આવશે. શાકભાજી વેચાણ માટેની જગ્યામાં ભીડ ના થાય તે માટે યાર્ડની અન્ય જગ્યાનો ઉપયોગ કરીને અંતર જળવાય રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. યાર્ડમાં કેટલીક દુકાનો ભાડે આપેલી હોવાથી અને નિયમ મુજબ લાયસન્સધારક જ વેપાર કરી શકે જેથી આ અંગે પણ નિર્ણય લેવાયો છે. અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.