ગાંધીનગરઃ આગામી વર્ષ 2024માં 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે. વાયબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિ છે. જે અંતર્ગત 2થી 31 ઓક્ટોબર સુધી 'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ગુજરાતના 33 જિલ્લામાં અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ત્રીદિવસીય પ્રદર્શનનો પણ સમાવેશ થાય છે.જેમાં દરેક જિલ્લામાંથી પસંદગી પામેલ ઉત્પાદનનું પ્રદર્શન કરવામાં આવશે.
'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમમાં મોરબીનો સમાવેશ સિરામિક હબઃ તા.9મી ઓક્ટોબર, 2023ના રોજ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ મોરબી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને MSME રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા શોભાયમાન બનાવશે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત મોરબી જિલ્લામાંથી સિરામિક પ્રોડક્ટ્સને પસંદ કરવામાં આવી છે. જેમાં સિરામિક ટાઈલ્સ, સેનિટરી વેર, સિરામિક ઈન્ડસ્ટ્રી, સિરામિક ટેકનોલોજી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબીમાં સિરામિક ઈન્ડસ્ટ્રીના 1000થી વધુ એકમો ધમધમી રહ્યા છે. ભારતમાં સિરામિક ઉત્પાદનોમાં મોરબીનો ફાળો 90 ટકા જેટલો છે. ભારતમાં મોરબી સિરામિક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે.
4 લાખ લોકોને રોજગારીઃ મોરબી જિલ્લાનું સિરામિક કલ્સ્ટર વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે. આશરે 1000 સિરામિક એકમો સાથે મોરબી વર્ષે રૂ.60,000 કરોડનું ટર્ન ઓવર કરે છે. મોરબીના સિરામિક એકમો અંદાજિત 4 લાખ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. નાણાંકીય વર્ષ 2022-23માં ગુજરાતમાંથી સિરામિક ક્ષેત્રે કુલ રૂ. 15,000 કરોડની નિકાસ કરવામાં આવી હતી. જે દેશની સિરામિક નિકાસનો કુલ 80 ટકા હિસ્સો છે. માત્ર મોરબી જિલ્લામાંથી કુલ રૂ. 12,000 કરોડની સિરામિક નિકાસ થઈ હતી.
પોલીપેક ઈન્ડસ્ટ્રીમાં અગ્રેસરઃ સિરામિક ઉદ્યોગની જેમ મોરબી પોલીપેક (વણાયેલું ફેબ્રિક) ઈન્ડસ્ટ્રીનું પણ હબ બની રહ્યું છે. મોરબી જિલ્લામાં પોલીપેકનું ઉત્પાદન કરતા અંદાજિત 200થી વધુ એકમો ધમધમી રહ્યા છે. મોરબીની પોલીપેક ઈન્ડસ્ટ્રી વર્ષે 5,00,000 મેટ્રિક ટન પોલીપકનું ઉત્પાદન કરે છે. જેનું વાર્ષિક ટર્નઓવર કુલ રૂ. 5,500 કરોડ જેટલું થાય છે. આ ઈન્ડસ્ટ્રી 15,000થી 20,000 લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગાર પૂરો પાડે છે.
75 ટકા વોલ ક્લોક નિર્માતાઃ સિરામિક અને પોલીપેક ઈન્ડસ્ટ્રી સાથે મોરબીમાં ક્લોક અને ગિફ્ટ આર્ટિકલ ક્ષેત્રે પણ કાઠુ કાઢ્યું છે. મોરબીમાં અંદાજિત 90થી વધુ વોલ ક્લોકના એકમો ધરાવે છે. મોરબીમાંથી દરરોજ 1.5 લાખ વોલ ક્લોક અને ગિફ્ટ આર્ટિકલ તૈયાર થઈ રહ્યા છે. આ ઈન્ડસ્ટ્રી વર્ષે દહાડે રૂ.600થી 700 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. ભારતની વોલ ક્લોકના કુલ ઉત્પાદનમાં મોરબી 75 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉદ્યોગ અંદાજિત 18,000 લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. જેમાં 16,000 મહિલાઓ છે. રૂ.50થી 60 કરોડની વોલ ક્લોક અને ગિફ્ટ આર્ટિકલ્સની નિકાસ કરવામાં આવે છે.
મોરબીના અન્ય ઉદ્યોગોઃ મોરબી એક ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ કલ્સ્ટર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જેમાં સિરામિક, પોલીપેક, વોલ ક્લોક, ગિફ્ટ આર્ટિકલ્સ ઉપરાંત પેપર અને સોલ્ટ બિઝનેસ પણ વિકસ્યા છે. પેપર ઈન્ડસ્ટ્રીના કુલ 60થી વધુ એકમો મોરબીમાં ધમધમે છે. જેમાં અંદાજિત 10,000 લોકોને રોજગારી મળી રહી છે. મોરબીમાં 30થી વધુ મીઠાનું ઉત્પાદન કરતા એકમો પણ કાર્યરત છે.
- મોરબી સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો, વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ
- Gujarat Budget 2022: મોરબીમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે બનશે વૈશ્વિક કક્ષાનું સિરામિક પાર્ક