- મોરબીના બે ઉદ્યોગપતિએ કારખાનામાં શિક્ષણ આપવાનું શરુ
- શ્રમિકોના બાળકોને પૂરી પાડવામાં આવે છે તેમામ સગવડો
- બે શિક્ષિકાઓ કરાવી રહ્યા છે બાળકોને અભ્યાસ
મોરબી : છેલ્લાં 8 માસથી શાળા-કોલેજો બંધ છે. જેના કારણે બાળકોને યોગ્ય શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને ગરીબ વર્ગના બાળકો મોબાઈલના અભાવે ઓનલાઇન શિક્ષણ પણ મેળવી શકતા નથી. ત્યારે આવા બાળકોને શિક્ષણ મળતું રહે, તેમનું ભાવિ ન બગડે અને તેમની અભ્યાસની ટેવ છૂટી ન જાય તેની ચિંતા મોરબીના બે ઉદ્યોગપતિએ કરી છે. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક તેમજ સરકારી તમામ ગાઇડ લાઇનના પાલન સાથે અહીં શ્રમિકોના બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે માટે ઉદ્યોગપતિએ બે શિક્ષકોની મદદ લીધી છે. મોરબીના હિતેશભાઈ દેત્રોજા તથા મનીષભાઈ ગડારા લીઓલી નામની કંપની ધરાવે છે. તેમને ત્યાં 350 જેટલા માણસો કામ કરે છે. આ કામદારોના 60 જેટલા બાળકો કોરોના કાળમાં શિક્ષણથી વંચિત હતા.
કોરોના કાળમાં અભ્યાસના ભૂલાય તે માટે કારખાનામાં શિક્ષણ આપવાનું શરુ
તેથી આ બંને ઉદ્યોગકારોએ એક ક્લાસ રૂમ બનાવી બે શિક્ષિકા બહેનોને નોકરીએ રાખી અને બે વિભાગમાં સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક સાથે 30-30 બાળકોને ભણતર અપાવવાનું ચાલુ કર્યું. મોટાભાગના બાળકો પરપ્રાંતિય હોવાથી તેમને ભાષામાં તકલીફ પડતી હતી. પરંતુ હવે પ્રેક્ટિકલ શિક્ષણ દ્વારા એ સમસ્યા પણ હલ થઈ ગઈ છે. હાલમાં તેમને હિંન્દી, ગુજરાતી, અંગ્રેજી, ગણિત જેવા વિષયોનું શિક્ષણ અપાય છે. આ સાથે ટીચિંગ લર્નિંગ મોડ્યુલ અને રમત-ગમત દ્વારા પણ ભણાવાય છે. ગરીબ બાળકો પાસે ઓનલાઇન ભણી શકાય તે માટે સ્માર્ટ ફોન પણ ક્યાંથી હોય? આ ઉદ્યોગપતિઓએ તેની પણ ચિંતા કરી અને બાળકોનું આરોગ્ય ન જોખમાય અને તેમનું ભણતર ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરી આપી છે.