મોરબી: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે આરોપી ઓરેવાના માલિક જયસુખ પટેલને સબજેલમાં ધકેલાયો છે. આજે જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયો હતો. પોલીસ જયસુખ પટેલના રિમાન્ડની અરજી કરશે.
જયસુખ પટેલ જેલમાં ધકેલાયો:બુધવારે આગોતરા જામીન અરજીની સુનાવણી થાય તે પૂર્વે જ આજે મંગળવારે જયસુખ પટેલ સેશન્સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયાને પગલે કોર્ટ કેમ્પસમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કોર્ટે હાલ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો. જેથી સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસે આરોપીનો કબજો મેળવી લીધો છે અને હવે રિમાન્ડ માંગવામાં આવશે. રિમાન્ડ દરમિયાન પોલીસ ઝૂલતો પુલ દુર્ઘટનાથી અત્યાર સુધી આરોપી ક્યાં ક્યાં ગયા હતા સહિતની પૂછપરછ કરી શકે છે.
ફાંસી આપવાની માંગ સાથે આક્રોશ: પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ આજે કોર્ટ સમક્ષ હાજર થતા મૃતકોના પરિવારના સભ્યો કોર્ટે દોડી આવ્યા હતા અને ફાંસી આપવાની માંગ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. લોકોનો રોષ જોતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કોર્ટના આદેશ પ્રમાણે ચુસ્ત બંદોબસ્ત સાથે જયસુખ પટેલને સબ જેલ ખાતે લઇ જવામાં આવ્યા હતા તેમજ ત્યાંથી પોલીસે કબજો મેળવીને ડીવાયએસપી કચેરી લાવવામાં આવ્યા હતા.
મૃતકના પરિજનોનો ભારે હોબાળો:ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ ચૂકી છે અને વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીના રોજ થવાની છે. તેમજ જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીના રોજ થવાની હતી. તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે. જયસુખ પટેલ સામે કલમ 304 મુજબ ગુનો દાખલ થયો છે. જયસુખ પટેલને કોર્ટ બહાર લાવતા જ મૃતકના પરિજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જયસુખ પટેલ હાય-હાયના નારા લગાવ્યા હતા.