પીડિતો પરિવાર જનોના કાળજે રુઝાતો નથી કારમો ઘા !!! મોરબીઃ 30 ઓક્ટોબર 2022નો એ ગોઝારો દિવસ જ્યારે મોરબી જ નહીં ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ દિવસે મોરબીમાં કમનસીબ પુલ દુર્ઘટના ઘટી હતી. જેમાં મોરબની ઝુલતો પુલ તુટી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી હતી. આજે પણ મૃતકોના પરિવારના કાળજે તાજો છે આ કારમો ઘા.
દુર્ઘટનાઃ દિવાળી પર્વના દિવસોમાં મોરબી પંથકના લોકો મોરબીના મુખ્ય આકર્ષણ સમા ઝુલતા પુલની મુલાકાતે આવ્યા હતા. ઝુલતા પુલનું અબાલવૃદ્ધ સૌમાં આકર્ષણ હોય તે સ્વાભાવિક બાબત છે. આ ઝુલતા પુલ પરથી પસાર થતા લોકો આનંદ કરી રહ્યા હતા. તે જ સમયે આ પુલ તુટી ગયો. પુલ સાથે લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. આ પુલ દુર્ઘટનામાં કુલ 135 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર વાતાવરણ કરુણ ચીસોથી ઉભરાઈ ગયું હતું. મચ્છુનું પાણી લોહીથી લાલ બની ગયું હતું. હસતા ખેલતા પરિવાર નંદવાયા હતા. ઘણા પરિવારોએ એકનો એક આધાર ગુમાવવાથી નોંધારા બની ગયા હતા. મૃતકના પરિવારજનો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તેઓ સાચા આરોપીને યોગ્ય સજા થાય તેવી આશા રાખીને બેઠા છે. આ કરુણાંતિકાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ કરુણ ઘટનાએ માત્ર મોરબી જ નહિ પરંતુ ગુજરાતના હૃદય પર પણ કારમા ઘા સમાન બની રહી છે.
કાયદાકીય કાર્યવાહીઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપ સર મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સી, અધિકારીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત 10 આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે. જયસુખ પટેલ લાંબા સમયથી જેલમાં બંધ છે તેમણે હજુ જામીન મળ્યા નથી. મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. તેથી જયસુખ પટેલ તરફથી હાઈ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. કુલ 10 આરોપીમાંથી 5ને જામીન મળ્યા છે જ્યારે 5 આરોપી જેલવાસ ભોગવી રહ્યા છે. સમગ્ર દુર્ઘટનાની તપાસ કરી રહેલ સીટ દ્વારા રિપોર્ટ હાઈકોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં ઓરેવા કંપનીની બેદરકારી અને જવાબદારીનો ઉલ્લેખ કરી ૩૦૨ ની કલમનો ઉમેરો કરવા માટે ભલામણ કરવામાં આવી છે.
મારો દીકરો જેટકો કંપનીમાં 11 મહિના પૂર્વ જોડાયો હતો. આ દિવસે રવિવાર હોવાથી તે અને તેનો માસીયાઈ ભાઈ બંને મોરબી ઝુલતા પુલ પર ગયા હતા. ત્યાં જ સાંજે આ કરુણ ઘટના ઘટી અને બંને એ જીવ ગુમાવ્યા હતા. જુવાનજોધ દીકરો ગુમાવ્યાનો કારમો ઘા આજીવન રુઝાશે નહીં. જો કે સાચા આરોપીને યોગ્ય સજા થાય તેવી અમારી માંગણી છે...કાનજીભાઈ સથવારા(મૃતક ચિરાગના પિતા, રાજકોટ)
આ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મેં મારો એકનો એક જુવાન દીકરો ગુમાવ્યો છે. અમારા પરિવારનો એક માત્ર આધાર હતો. અમે અત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ. ભગવાન અને સરકારને એક જ વિનંતી છે કે પાલિકાના દોષિત અધિકારીઓ, કોન્ટ્રાક્ટ લીધો હતો તે કંપની માલિકોને કડકમાં સજા થાય...નટવર ખાણધર(મૃતક ભૌતિકના પિતા, મોરબી)
- મોરબી ઝૂલતા પુલ હોનારતને લઇ જામનગરના પરિવારનો ચોંકાવનારો દાવો
- મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં ઝડપી બચાવ કામગીરી કરવા માટે સુરતથી પણ ફાયર ટીમ રવાના