મોરબીઃ મહિલા હેલ્પલાઈન અને ચાઈલ્ડ લાઈનના સહયોગથી એક બાળકી પોતાની માતાને મળી શકી છે. તાજેતરમાં જ એક જાગૃત નાગરિકે 181 અભયમ્ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે, એક બાળકી અને તેની સાથે વૃદ્ધ માણસ ઘુંટું રોડ પર આવેલી ફેક્ટરી પાસે છે, જેમાં વૃદ્ધ માણસ અશક્તિ અને નબળાઈને કારણે અર્ધબેભાન છે અને બાળકી રડે છે. આથી મોરબી 181 ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી હતી.
મોરબી 181 અભયમની ટીમે કચ્છની બાળકીને માતા સાથે ભેટો કરાવ્યો - ચાઈલ્ડ હેલ્પલાઈન 1098
181 મહિલા હેલ્પલાઈન અને ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 સતત લોકોની મદદ કરવા તત્પર હોય છે. આ વખતે આ બંને ટીમે એક બાળકીને પોતાની માતા સુધી પહોંચાડવામાં મદદ કરી છે. મૂળ કચ્છની બાળકી મોરબીમાં પોતાની માતાથી વિખૂટી પડી ગઈ હતી. જોકે મહિલા હેલ્પલાઈન અને ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે બાળકીની માતાનો સંપર્ક કરી તેને મોરબી બોલાવી હતી. ત્યારબાદ બાળકીને તેની માતાને સોંપવામાં આવી હતી.
![મોરબી 181 અભયમની ટીમે કચ્છની બાળકીને માતા સાથે ભેટો કરાવ્યો મોરબી 181 અભયમની ટીમે કચ્છની બાળકીને માતા સાથે ભેટો કરાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9201502-thumbnail-3x2-mata-gj10004.jpg)
ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે, તેઓ બાળકીના નાના છે અને બે દિવસ પહેલા તેના દીકરીના ઘરે ગયા હતા. ત્યાંથી તેની સાથે આ બાળકીને લાવ્યા હતા તેઓ થાનમાં રહે છે. આજે કામની શોધમાં મોરબી આવ્યા હતા તેમ જ બાળકીને પૂછતા તેની માતા ગાંધીધામ રહે છે અને તેની પાસે જવા માગે છે તેવું જણાવ્યું હતું. આથી બાળકીને આશ્રય અને અન્ય મદદ માટે 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનને જાણ કરવામાં આવી હતી. આ ટીમ બાળકીને રેસ્ક્યૂ કરી ચાઈલ્ડલાઈનની ઓફિસે લઈ ગયા હતી. બાદમાં બાળકીને વધુ પૂછતા તેની માતા કચ્છના ગાંધીધામમાં રહેતી હોવાનું જણાયું હતું. એટલે પોલીસે તેની માતાનો સંપર્ક કર્યો હતો. આ તમામ વાત સાંભળીને બાળકીની માતા બાળકીને લેવા મોરબી આવી હતી. માતાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવવામાં આવી હતી. 181 મહિલા હેલ્પ લાઈન અને ચાઈલ્ડ લાઈન 1098ની હાજરીમાં બાળકીને માતાને સોપવામાં આવી હતી.