ટંકારાના જોધપર ઝાલા ગામે બુટલેગર દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો હતા. આ દારૂનો જથ્થો એક મકાનમાં રાખ્યો હોવાની બાતમીને પગલે ટંકારા પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી. જોકે પોલીસની ટીમ દારૂનો મુદામાલ જપ્ત કરી તેમજ પ્રોહીબીશન કેસ ન કરી શકે, તે માટે બુટલેગરોએ ધોકા, પાઈપ જેવા હથિયારોથી હુમલો કરી દીધો હતો.
મોરબીના શહેરમાં બુટલેગરો બન્યા બેફામ, પોલીસ કર્મીઓ પર જ કર્યો હુમલો - Gujarati News
મોરબી: જિલ્લામાં આવેલા ટંકારા પંથકમાં બુટલેગરો બેફામ બની ગયા છે. તેનુ જીવંત ઉદાહરણ બુધવારે રાત્રીના જોવા મળ્યું હતું. જ્યાં દારૂની હેરફેર અંગેની બાતમી મળ્યા બાદ ટંકારા પોલીસના જવાનો રેડ કરવા ગયા હતા. ત્યારે અચાનક બુટલેગરોએ એકસંપ થઇને હથિયારો વડે હુમલો કરી દેતા 5 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. જેને પગલે તમામ પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા. તો બનાવ બાદ પોલીસ વિભાગ ટીમ હરકતમાં આવી હતી. પોલીસ પર હુમલો કરનાર 2 આરોપીને ઝડપી લેવાયા હતા.
તો આ બનાવમાં ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા 5 પોલીસ કર્મચારીઓને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તો બનાવ અંગેની જાણ થતા જિલ્લા SP ડૉ. કરનરાજ વાઘેલા, DYSP બન્નો જોષી તેમજ LCB, SOG અને ટંકારા પોલીસની ટીમો જોધપર ઝાલા ગામે પહોંચી હતી. જો કે હુમલા બાદ બુટલેગરો નાસી ગયા હતા.
પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં ઝડપાયેલ આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અગાઉ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન વેચાણના ગુન્હામાં તથા વિદેશી દારૂ વેચાણ અને હેરફેરના ગુન્હામાં પકડાયા હતા. તો આ ગુુન્હાનો મુખ્ય આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ટીમ પર હુમલાના અન્ય આરોપીઓ ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમ પર હુમલાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.