- મોરબીના પેપર મિલ ઉદ્યોગ મુશ્કેલીમાં
- તૈયાર કાગળના ભાવ વધવાની શક્યતા
- કોરોનાના કારણે વેસ્ટ પેપરની અછત
- પેપરની અછતથી મહિનામાં 5 દિવસ ફેકટરી બંધ
મોરબીઃ કાચા કાગળ અને રો-મટીરીયલ્સની અછતના પગલે તેમાં ભાવ વધારો આવ્યો છે. જેના કારણે શહેરનો પેપર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં કેટલીક પેપર મિલો દ્વારા વેસ્ટ પેપરની અછતના કારણે ઉત્પાદન બંધ કરવાની પરિસ્થિતિ આવી છે. તો બીજી તરફ વેસ્ટ પેપરના ભાવોમાં આવેલા તોતિંગ વધારાના પગલે તૈયાર કાગળના ભાવોમાં પણ વધારો આવશે.
વેસ્ટ પેપરની અધતના લીધે પેપર ઉદ્યોગ મુશ્કેલીમાં
મોરબીમાં સિરામિક પછીનો બીજા નંબર પર પેપર ઉદ્યોગ છે. દેશના કુલ ઉત્પાદનનું 15 % ઉત્પાદન મોરબીમાં થાય છે. શહેરમાંં ક્રાફ્ટ પેપર તથા વ્હાઈટ પેપર બને છે. આ પેપર વેસ્ટ પેપરને રીસાઈકલ કરીને બનાવવામાં આવે છે. વેસ્ટ પેપર માટેનો મોટો સ્ત્રોત દિલ્હી, મુંબઈ અને પંજાબ છે. જ્યારે ઈમ્પોર્ટેડ વેસ્ટ પેપર યુરોપ અને અમેરિકાથી આવે છે. હાલમાં કોરોના મહામારીના કારણે યુરોપમાં લોકડાઉન છે. તેમજ ભારતના પણ મોટા શહેરોમાં વેસ્ટ પેપરનું કલેક્શન ખૂબ ઘટી ગયું છે. જેના કારણે મોરબીમાં આવતો વેસ્ટ પેપરનો પુરવઠો 35 % જેટલો ઓછો થઈ ગયો છે. પરિણામે રો-મટિરિયલ્સના અભાવે પેપર ઉદ્યોગની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.