મોરબીઃજિલ્લાની શાન સમાન ઝૂલતા પુલ 30 ઓક્ટોબર 2022ના દિવસે તૂટી પડ્યો હતો. ત્યારે હવે આ દુર્ઘટનાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે. આ મામલે ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલની પણ ધરપકડ થઈ ચૂકી છે. જોકે, રિનોવેશન પછી નવા વર્ષે આ બ્રિજ લોકો માટે ખૂલ્લો મુકાયો હતો. ત્યારબાદ માત્ર 6 જ દિવસમાં આ બ્રિજ તૂટી પડતાં 130થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
9 સામે ગુનો નોંધાયો હતોઃસાંજે ઝૂલતો પુલ તૂટી પડતા રાત્રિના રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપી હતી. તેમ જ પૂલ તૂટી પડતા નીચે નદી હોવાથી પાણીમાં અનેક લોકો પડ્યા હતા, જેથી 5 દિવસ સુધી રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચલાવી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આરોપીઓની થઈ હતી ધરપકડઃ આ બ્રિજ તૂટી પડતા તે રાત્રિના જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દિપક નવીનચંદ્ર પારેખ (ઉ.વ.44) રહે. મોરબી (મેનેજર). દિનેશ મહાસુખરાય દવે (ઉ.વ.41) રહે. મોરબી (મેનેજર), મનસુખ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.59) રહે. મોરબી (ટીકીટ કલેક્શન) માદેવ લાખાભાઈ સોલંકી (ઉ.વ.36) રહે. મોરબી (ટિકીટ કલેક્શન), પ્રકાશ લાલજીભાઈ પરમાર (ઉ.વ.63). રહે ધ્રાંગધ્રા (બ્રીજ રિપેરીંગ કોન્ટ્રાકટર), દેવાંગ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.31) રહે. ધ્રાંગધ્રા (બ્રીજ રિપેરીંગ કોન્ટ્રાકટર), અલ્પેશ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.25) રહે. દાહોદ (સિક્યુરીટી ગાર્ડ), દિલીપ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.33) રહે. દાહોદ (સિક્યોરિટી ગાર્ડ) અને મુકેશ દલ્સિંગભાઈ ચૌહાણ (ઉ.વ.26) રહે. દાહોદ (સિક્યોરિટી ગાર્ડ) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે 31 ઓક્ટોબરે 9 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.