મોરબીઃ મોરબી-માળીયા તાલુકાના વાવડી, બગથળા, બીલીયા, જેપુર, ખેવારીયા, બરવાળા, ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, ખાખરાળા, મોડપર અને લુટાવદર સહિતના 19 ગામના ખેતીના પાકને સિંચાઈનું પાણી મળે તે માટે કેનાલ બનાવવામાં આવી છે. જેનું લીફટીંગ કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. રીપેરીંગ કામ ચાલુ હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાંથી પાણી મળતું નથી. આગામી સમયમાં ઉનાળુ પાક લેવાનો સમય થઈ રહ્યો હોવા છતાં પણ કેનાલમાંથી ખેડૂતોને પાણી નહીં મળી શકે તેવી સ્થિતિ ઉદભવી છે.
મચ્છુ 2 કેનાલના ઈરીગેશન કામમાં નબળી કામગીરીને લઈને ખેડૂતોમાં ચિંતા - મચ્છુ કેનાલ
મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતોને આગામી ઉનાળાની સીઝન માટે પાણી મળશે કે નહીં તે હજી સુધી નક્કી નહીં થઈ શકતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મોરબીની મચ્છુ 2 ડેમની કેનાલનું રીપેરીંગ કામ ચાલુ છે. પરંતુ ધીમીગતિએ અને નબળી ગુણવતાનું કામ હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. કેનાલમાં પાણી છોડાયું નથી તે પહેલાં જ તેમાં ગાબડાં પડવાનું શરૂ થઈ ગયું છે.
જે કામ ચાલી રહ્યું છે તે પણ નબળી ગુણવતાનું કામ થતું હોવાનું જાણવા મળ્યું છે. કેનાલમાંથી જે માટી બહાર કાઢવામાં આવે છે તે માટી કેનાલના કિનારે જ રાખી દીધી છે જેથી માટી ફરી કેનાલમાં પડી રહી છે. અમુક સ્થળે તો કેનાલનું કામ શરૂ થયું જ નથી અને તંત્ર આગામી 5 મે સુધીમાં કેનાલ મારફત ખેડૂતોને પાણી પહોંચાડવાના વાયદા કરી રહ્યું છે. કેનાલ ચાલુ થાય તે પહેલાં તો ગાબડા પડવાનો સિલસિલો શરૂ થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
સિંચાઈ વિભાગના અધિકારી જણાવ્યું કે, મચ્છુ 2 સિંચાઈ યોજનાનું લીફ કેનાલનું કામ જે હાલ પ્રગતિ હેઠળ છે તે કામ 31 મે 2020 સુધીમાં પૂર્ણ થઇ જશે અને ખેડૂતોને 4500 હેક્ટરમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામનું બજેટ 1100 લાખનું છે કેનાલમાં જે ગાબડા પાડવાની વાત છે તેમાં વધારે વરસાદના કારણે કેનાલમાં પાણી ભરાઈ ગયાં હતાં જેથી ગાબડાં પડયાં છે અને તેની જાણ કંપનીને કરી ફરી યોગ્ય કરવામાં આવશે.