મોરબી : ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં ફાયર સેફટીની સુવિધા બાબતમાં પછાત જોવા મળે છે. શહેરમાં ફાયરની સુવિધાઓ કેટલી છે તે અંગે ફાયર વિભાગના કર્મચારી જણાવે છે કે, હાલ 3 ફાયરની ગાડીઓ જેમાં 2 નાની અને 1 મોટી ગાડી અને 1 રેસ્ક્યુ બોટ અને 1 એમ્બ્યુલન્સ છે. તેમજ માત્ર 2 માળ સુધી પહોંચી શકે તેવી સીડી છે. જયારે હાઈરાઈસ બિલ્ડીંગ એટલે કે 7 થી 10 માળના 1000થી વધુ એપાર્ટમેન્ટ ખડકી દેવાયા છે. ત્યારે જો હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગનો બનાવ બને તો ત્યાં સુધી પહોંચી શકે તેવી સીડી જ નથી. ત્યારે આગ પર કાબુ કેવી રીતે મેળવી શકાશે તે એક પ્રશ્ન છે.
મોરબીમાં અપૂરતા ફાયરના સાધનો, સ્ટેશન જર્જરિત હાલતમાં આ અંગે વિપક્ષના નેતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે વિપક્ષમાં છીએ અમારે કોઈ પણ પ્રશ્નોનો વિરોધ કરવાનો હોય છતાં પણ અમે ફાયર સ્ટેશન મામલે હકારાત્મક વલણ અપનાવ્યું છે. રાજયના મુખ્યમંત્રીએ વિકાસની યાત્રાના ભાગરૂપે એક ફાયર સ્ટેશનનો પ્રોજેક્ટ મોરબી પાલિકાને આપવામાં આવેલ પણ દુર્ભાગ્યની વાત તેમ કહી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ પાલિકાને જે જગ્યાએ ફાયર સ્ટેશન માટે જગ્યા ફાળવવાની વાત હતી તેમાં અમે અમારા વિસ્તારમાં જગ્યા ફાળવવા માટે વાત કરી હતી. પરંતુ આજ સુધી એક પણ પગલું પાલિકા દ્વારા ભરવામાં આવ્યું નથી.
મોરબી નગરપાલિકાના શાસકોની અણઆવડતને પગલે ફાયરની સુવિધા મળતી નથી. આગના બનાવોમાં સમયસર ટીમ પહોંચી શકતી નથી. જેમાં જરૂરી આધુનિક સાધનોની કમીથી ફાયરના કર્મચારીઓને પણ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે.
મોરબી નગરપાલિકામાં ફાયર સેફટી સુવિધાઓ અંગે નગરપાલિકાના પ્રમુખ જણાવે છે કે, નવું ફાયર સ્ટેશન બનાવવા માટે ઠરાવ કર્યો છે. ગત જનરલ બોર્ડમાં નગરપાલિકા દ્વારા નવું ફાયર સ્ટેશન બનાવવા તેમજ આધુનિક મશીનરી માટે ઠરાવ કર્યો છે. જે સરકારને મોકલી દેવાયો છે. તેમજ સરકારને મોકલેલી પ્રપોઝલ અંગે તાકીદે નિર્ણય લઈને મોરબીને ફાયરની સુવિધા મળે તે માટે સત્તાધીશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબીના ઓદ્યોગિક વિકાસને ધ્યાનમાં લઈને ફાયરની આધુનિક સુવિધા આપવા મોરબી નગરપાલિકા કટિબદ્ધ છે. જેમાં જરૂરિયાતના સાધનો પણ વિકસાવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
આમ ફાયર સેફટી મુદે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના તર્ક આપી રહ્યા છે. જેમાં શાસક પક્ષ પોતાનો બચાવ કરી રહ્યા છે. જો કે, આજના મોરબીની સ્થિતિએ ફાયર સુવિધાઓની જરૂરિયાત વિશે વાત કરીએ તો મોરબીમાં 3 થી 4 બ્રાઉઝર એટલે કે ફાયરના મોટા વાહનો ઉપરાંત 6 નાના વાહનોની જરૂરિયાત છે. તેમજ 4 એમ્બ્યુલન્સ, 2 રેસ્ક્યુ વાહનો અને હાઈરાઈઝ બિલ્ડીંગ માટે લેધર સહિતની સુવિધાઓની જરૂરિયાત છે. જો કે, મોરબી ફાયર સ્ટેશનમાં હાલ 44 રોજમદારો છે. માત્ર 2 કાયમી કર્મચારી ફરજ બજાવે છે. ફાયર સ્ટેશન 50 વર્ષથી કાર્યરત છે. જ્યાં કોઈ દિવસ રીપેરીંગ કરાયું નથી. એટલું જ નહિ પરંતુ ફાયરના 3 બુલેટમાંથી 1 બંધ હાલતમાં છે. તો એમ્બ્યુલન્સ પણ ચાલુ-બંધ હાલતમાં જોવા મળતી હોય છે.