- મોરબી આચારસંહિતા ભંગ કેસમાં મોરબી-અંજારના પૂર્વ ધારાસભ્ય સહિતના ત્રણનો નિર્દોષ છુટકારો
- 2009 ના કેસમાં કાંતિ અમૃતિયા સહિતના નેતાઓનો નિર્દોષ છુટકારો
- નીચલી અદાલતે એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો
મોરબી: શહેરમાં આચારસંહિતા ભંગના કેસમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય, અંજારના તે સમયના ધારાસભ્ય સહિતના સામે કોર્ટમાં કેસ ચાલી જતા નીચલી અદાલતે એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો. જે ચુકાદાના સેશન્સ કોર્ટમાં પડકારતા સેશન્સ કોર્ટે આજે ત્રણેય આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.
આચારસંહિતા ભંગ કેસમાં મોરબી-અંજારના પૂર્વ ધારાસભ્ય સહિતના ત્રણનો નિર્દોષ છુટકારો કાન્તિલાલ અમૃતિયા, નીમાબેન આચાર્ય, મનોજ પનારા વિરૂદ્ધ હતી ફરિયાદ
વર્ષ 2009 માં કચ્છના સાંસદ પદના ઉમેદવાર પુનમ જાટના સમર્થનમાં ચુંટણી સભા યોજાઈ હતી. જેમાં મતદારોને લલચાવવા સહિતના કૃત્ય બદલ આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાથી વર્ષ 2009 માં મોરબીના તે સમયના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા, તે સમયના અંજારના ધારાસભ્ય અને હાલના વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય તેમજ મનોજ પનારા વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદને પગલે વર્ષ 2018 માં નીચલી અદાલતે ત્રણેયને કસુરવાન ઠેરવીને 1 વર્ષની સજા અને 1 હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો. જેથી ચુકાદાને મોરબી સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
ત્રણેય આગેવાનોને સેસન્સ કોર્ટમાંથી મોટી રાહત મળી છે
આજે 16 ઓક્ટોબરે એડીશનલ સેશન્સ જજ દ્વારા આ મામલે ચુકાદો આપતા નીમાબેન આચાર્ય, કાન્તિલાલ અમૃતિયા અને મનોજ પનારાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને ત્રણેય આગેવાનોને સેસન્સ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. નીચલી અદાલતે સજા ફટકારી હતી. જેમાં મોટી રાહત મળી છે. જે કેસમાં સરકારી વકીલ વી.સી.જાની રોકાયેલા હતા અને ચુકાદાની નકલ આવ્યા બાદ ઉપરની કોર્ટમાં જશે તેમ જણાવ્યું હતું.