ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા આયોજિત અનોખા સમારોહમાં મહંત ઉપરાંત સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી. આ સમારોહમાં ફક્ત દીકરીઓ હોય તેવી 31 માતાઓને સન્માનપત્ર, સાડી અને રૂ 1100નો બોન્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
મોરબીમાં ફક્ત દીકરીઓ હોય તેવી 31 માતાઓનું કરવામાં આવ્યુ સન્માન - વ્હાલી દીકરી વ્હાલી માતા
મોરબીઃ શહેરમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીની સિલ્વર જ્યુબીલીની ઉજવણીના ભાગરૂપે ફક્ત દીકરીઓ ધરાવતી હોય તેવી માતાઓનો સન્માન સમારોહ વ્હાલી દીકરી વ્હાલી માતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 31 માતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં નદીમ પંજવાણી દ્વારા ગરીબ માતાની બાળકીને દત્તક લેવાની જાહેરાત કરી હતી. તો ગરીબ બાળકીઓને જયદીપ એન્ડ કુ. વાળા દિલુભા જાડેજા તરફથી 21 હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના દાતા રામજીભાઈ રબારી દ્વારા માતાઓને જયારે પણ જરૂરત પડે ત્યારે પડખે ઉભા રહેવાનું આશ્વાસન આપવામાં આવ્યુ હતું. અંતમાં કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશીએ તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો અને સહકાર બદલ ઋણ સ્વીકાર કર્યું હતું. કાર્યક્રમમાં પરમાણુ સહેલી ડો. નીલમબેન ગોયલે ખાસ હાજરી આપી હતી અને સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું.