મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના નિયમિત જામીન મંજૂર કર્યા છે. ઝૂલતા પુલ ઉપર દુર્ઘટના પહેલા સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા હોવાની કોર્ટે નોંધ લઈને આ નિયમિત જામીન મંજૂર કર્યા છે. જેથી આરોપીઓને હાઇકોર્ટ તરફથી રાહત મળી છે.
અમદાવાદ:મોરબીને હચમચાવી નાખનાર ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિતના 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તમામ મોરબી જેલમાં બંધ હોય અને લોકલ અદાલતમાંથી તમામના જામીન રીજેક્ટ થયા બાદ ત્રણ આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને હાઈકોર્ટે માન્ય રાખતા ત્રણ આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે.
શું છે સમગ્ર મામલો?: ઓક્ટોબર મહિનામાં બનેલા મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં 135 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ સમગ્ર મામલે હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી અને સુઓમોટો અરજી દાખલ કરી હતી. જેમાં આ દુર્ઘટના કેસમાં અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આરોપી અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને પ્રકાશ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓએ નિયમિત જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેમને મેનેજમેન્ટ સાથે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ ન હતી. આ સાથે જ તેઓ દુર્ઘટના પહેલા ઝુલતા પુલ ઉપર સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા હોવાની વાત પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતની નોંધ લઈને કોર્ટે આરોપીઓના નિયમિત જામીન મંજૂર કર્યા છે.
મૃતકોના પરિવારને વળતર ચુકવાયું:મહત્વનું છે કે આરોપીઓ દ્વારા આ અગાઉ પણ વિવિધ કોર્ટોમાં જામીન માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેથી જામીન ન મળતા હવે ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને જામીન આપતા રાહત મળી છે. અત્રે નોંધનીય છે કે મોરબી ઝૂલતા પણ દુર્ઘટના કેસમાં અત્યાર સુધીમાં હાઇકોર્ટ દ્વારા વિવિધ પ્રકારના હુકમ આપવામાં આવ્યા છે. તેમજ જે પણ મૃતકો અને પીડિતો હતા તેમને વળતર પણ ચુકાવી દેવામાં આવ્યું છે.
હાઇકોર્ટ દ્વારા હુકમ: મોરબી દુર્ઘટનાની ઘટનાને ધ્યાનમાં રાખીને કોર્ટે રાજ્યમાં આવેલા વિવિધ બ્રીજ અંગે પણ સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. તેમ જ બ્રીજો અંગે નીતિ બનાવવાનું પણ કોર્ટે સરકારને હુકમ કર્યો હતો. આ બાબતે હાઇકોર્ટે ગંભીરતાથી નોંધ લેતા તમામ રાજ્યોમાં આવેલા બ્રિજોને સમારકામ કરવાનો પણ આદેશ આપ્યો હતો તેમ જ કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવામાં ના આવે એવો પણ હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો .જેનો સરકાર દ્વારા પાલન કરીને આ અંગે નીતિ પણ જાહેર કરવામાં આવી હતી. આ કેસનો મુખ્ય આરોપી જયેશ પટેલ હજુ પણ જેલ હવાલે છે. આ સમગ્ર કેસ અંગે વેકેશન બાદ સુનાવણી હાથ ધરશે ત્યારે આગળની કાર્યવાહી અંગે ખ્યાલ આવશે.