મોરબી: ધૂળકોટ ગામના ખેડૂતોના ખેતરમાં ડેમમાંથી છોડવામાં આવેલ પાણી ફરી વળ્યા હતાં. જેથી કરીને ખેડૂતોના માત્ર પાક જ નહી, પરંતુ ખેતરો પણ ધોવાઇ ગયા હતા. ઓગસ્ટ મહિનાની 23 અને 24 તારીખે મોરબી તાલુકામાં સારો વરસાદ પડ્યો હતો. આ પહેલાના દિવસોમાં પણ વરસાદ થોડા ઘણો પડ્યો હતો. જેથી કરીને ખેતરોમાં ભરાયેલા પાણી સુકાયા નહોતા અને બીજી બાજુ ભારે વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ હતી, ત્યારે તાત્કાલિકના ધોરણે જળાશયોના દરવાજા ખોલવા પડ્યા હતા. તે દરમિયાન ડેમી-૩ ડેમના પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી કરીને ડેમની નીચેના ભાગમાં જેટલા ખેડૂતોની જમીન આવેલી છે. તેમાંથી મોટાભાગના ખેડૂતોની જમીનમાં વાવવામાં આવેલ પાક તેમજ ખેતરની જમીનમાં મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
મોરબી જિલ્લામાં વર્ષ 2018માં ઓછો વરસાદ હતો. જેથી કરીને ખેડૂતો ચોમાસુ પાક લઇ શક્યા નહોતા અને સરકાર દ્વારા પણ મોરબી જિલ્લાના ત્રણ તાલુકાને અછતગ્રસ્ત તેમજ બે તાલુકાને ઇનપુટ સહાય માટે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ ગત વર્ષે મેઘરાજા મહેર કરશે તેવી આશા હતી. જો કે, ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું. ચાલુ વર્ષે પણ ખેતીમાં નુકશાની આવેલી છે. જેથી મોરબી જિલ્લાની અંદર વરસાદ ન હોય કે હોય બન્ને પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત દયનીય બની રહી છે. આ વર્ષે મેઘરાજાએ મહેર અને સ્થાનિક જળાશયો ભરાઇ ગયા છે. જેની સામે ડેમના દરવાજા ખોલીને મોટા પ્રમાણમાં જે રીતે પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેના કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવી ગયા છે.