મોરબીઃ જિલ્લામાં રવિવારે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં છ ઇંચ અને માળિયામાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં મોરબીમાં 152 MM, વાંકાનેરમાં 20 MM, હળવદમાં 12 MM, ટંકારામાં 30 MM અને માળિયામાં 94 MM વરસાદ નોંધાયો હતો.
મોરબી શહેરમાં 6 ઇંચ વરસાદ, માળીયામાં સાડા ત્રણ ઇંચ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોરબીમાં રવિવારે સાંજ સુધીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો, જયારે માળિયામાં પણ સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
મોરબી શહેરમાં 6 ઇંચ વરસાદ
મોરબી શહેરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જો કે, રવિવાર રજાનો દિવસ હોવાથી લોકોએ ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું હતું. ઉપરવાસમાં પાણીની આવકને પગલે મોરબીના મચ્છુ-2 ડેમના 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા, જયારે મચ્છુ-3 ડેમના પણ 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેને પગલે મોરબી અને માળિયા તાલુકાના 32 ગામને એલર્ટ કરાયા હતા.