પેટ્રોલ ડીઝલના વધતા ભાવ મામલે ગુજરાત કિસાન સંઘે આપ્યું આવેદન
ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોવિડ19ના કારણે ખેડૂતોને ઘણું નુકશાન વેઠવું પડ્યું છે ત્યારે ડીઝલના વધતા ભાવો ખેડૂતો માટે મરણતોલ સાબિત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડીઝલના ભાવમાં અંકુશ રાખવામાં આવે અથવા તો ખેતીના વ્યવસાય માટે સંકળાયેલા વર્ગને ડીઝલના ભાવમાં રાહત અથવા સબસિડી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
મોરબીઃ કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ અપાયેલાં આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે બદલાતા પ્રવાહ સાથે ખેતીમાં પણ આમૂલ પરિવર્તન થયું છે. હાલના દિવસોમાં આધુનિક મશીનો દ્વારા ખેતી કરવામાં આવે છે અને ટ્રેક્ટર ડીઝલથી ચાલતા હોય છે. તો આ સમયે ખેડૂતોની આવક જળવાઈ રહે અને દેવાના ડુંગર નીચે ન દબાઇ જાય તે માટે ખેતી સાથે સંકળાયેલા વર્ગને જરૂરિયાતના ઇંધણ પર રાહત આપવામાં આવે. અથવા જેમ માછીમારોને આપવામાં આવે છે તેમ સબસિડી આપવામાં આવે. ઉપરાંત કોરોના મહામારીને પગલે દરેક વર્ગ મુસીબતોનો સામનો કરે છે ત્યારે દેશની અર્થવ્યવસ્થા ટકાવી રાખવા ઇંધણના ભાવ નિયંત્રણમાં રાખવામાં આવે તેવી જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું છે.