મોરબીઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે અન્ય રાજ્યમાં ફસાયેલા મજૂરો, શ્રમિકો કે અન્ય માટે ઘરે જવાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. શનિવારે કલેક્ટર મોરબી દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં વ્યક્તિ, જૂથ, સમૂહ જે પોતાના વતન અન્ય રાજ્યમાં જવા ઈચ્છતા હોય તેને સૌપ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા નિયત થયેલા સેન્ટર પર કોવિડ-19ના કોઈ લક્ષણો ધરાવતા નથી, તે મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
આ આરોગ્ય વિષયક કેન્દ્રો મોરબી જિલ્લા હેડક્વાર્ટર, તમામ તાલુકા કેન્દ્રો પર પીએચસી, સીએચસી નિયત કરવામાં આવશે. આ સેન્ટરો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ અને સુપરવિઝન હેઠળ કાર્યરત રહેશે.
આ ઉપરાંત વતન જવા ઈચ્છુક વ્યક્તિ, જૂથ કે સમૂહ દ્વારા વાહનની વ્યવસ્થા પોતે કરવાની રહેશે અને તેનો ખર્ચ પણ જે તે વ્યક્તિએ ભોગવવાનો રહેશે. અન્ય રાજ્યમાં જનારા વ્યક્તિઓની યાદી સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે તે તાલુકા મામલતદારને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ત્યાંથી જ પ્રવાસની ઓનલાઈન પરવાનગી મળશે. વતનમાં જવા ઈચ્છુક લોકોએ મેડીકલ સ્ક્રીનીંગ કરાવવાનું રહેશે અને તેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ દિવસ 3 માં પ્રવાસ શરૂ કરવાનો રહેશે.
આરોગ્ય કેન્દ્ર પર મજૂરો એકઠા થયા
સરકાર દ્વારા ઓનલાઈન મંજૂરી લઈને વતન જવાની વાત છે, ત્યારે વતન જવા ઈચ્છતા મજુરોએ મેડીકલ ચેકઅપ કરાવવું ફરજિયાત છે. જેથી શનિવારે મોરબી જિલ્લાના તમામ પી.એચ.સી. અને સી.એચ.સી સેન્ટરો પર મજૂરોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ સાથે જ સોશિયલ ડીસ્ટસિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો.