વાંકાનેર તાલુકામાં ખાતરની ગુણીમાં વજન ઓછું આવતા ખેડૂતોમાં રોષ
મોરબી: રાજ્યમાં ભારે ચોમાસાએ ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યા બાદ આખરે ચોમાસાએ વિદાય લીધી છે અને હવે ખેડૂતો રવિપાકની સીઝન માટે તૈયારી કરવામાં લાગી ગયા છે. જોકે પરસેવો પાડીને ધાન ઉગાડતા ખેડૂતો સાથે સરકાર, તંત્ર અને કંપનીઓ મજાક કરવાનો કોઈ મોકો છોડતા ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતો રવિ સીઝન માટે જે કૃભકોના ખાતરની ખરીદી કરી રહ્યા છે તેની ૫૦ કિલોગ્રામની બેગમાં ૫ કિલો સુધી ઓછું વજન આવતું હોવાની ફરિયાદને પગલે ખેડૂતો સાથે થતી ધાંધલી અને કોભાંડનું રીયાલીટી ચેક કરવા વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ પહોચી મંડળીના હોદેદારો અને ખેડૂતોનો સંપર્ક કરતા ખાતરની બેગમાં વજન ઓછું હોવાના અહેવાલો સાચા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, ત્યારે જુઓ કે કેવી રીતે ખેડૂતોને ખાતરની બેગમાં ઓછું વજન આપીને લૂંટ ચલાવવામાં આવી રહી છે અને કેવી રીતે સમગ્ર કોભાંડનો પર્દાફાશ થયો તો આવો અને જુઓ આ અમારા અહેવાલમાં...
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામની મેસરિયા જૂથ સહકારી મંડળીમાં તાલુકાના મેસરિયા, સમઢીયાળા અને રાતાવીરડા ગામનો સમાવેશ થાય છે અને ૪૧૫ ખેડૂતોએ અહી ૭.૫૬ કરોડનું પાકધિરાણ મેળવ્યું હોય તેમજ ખાતરની વાર્ષિક ખપત પણ ૧.૨૫ કરોડ થવા જાય છે, ત્યારે કૃભકોના ડીએપી ખાતરમાં ઓછા વજનની વ્યાપક ફરિયાદોને પગલે સહકારી મંડળીના ઉપપ્રમુખનો સંપર્ક કર્યો હતો, ત્યારે ચોકાવનારી માહિતી પ્રાપ્ત થઇ છે. જેમાં ખાતરની થેલીમાં ઓછા વજનનો મંડળી ઉપપ્રમુખ પણ એકરાર કરે છે. ખાતરની ૨૪૦ ગુણી ભરેલી ગાડી ખાલી કરતા સમયે મજુરોએ વજન ઓછો હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેથી મંડળી દ્વારા એવી ૩૦ જેટલી ગુણીઓ અલગ કાઢી હતી અને વજન કરતા ૧૫ થેલીમાં ૫ કિલો જેટલો વજન ઓછો અને બાકી ગુણીમાં પણ ૫૦૦ ગ્રામથી લઈને ૫ કિલો જેટલો વજન ઓછો મળ્યો છે, તો આ મામલે કૃભકોના અધિકારીને જણાવતા તેને થેલી બદલી આપવાનું કહીને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મંડળીના હોદેદારોએ ખેડૂતોના હિતમાં કાયદેસર પગલા ભરવાનું નક્કી કર્યું છે.