મોરબી: પંચાસર રોડ પર બુધવારે રસ્તાની વચ્ચોવચ વાહન રાખવા મુદે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો બીચકયો હતો અને બોલાચાલી જૂથ અથડામણમાં ફેરવાયો હતો. બંને જૂથો હથિયાર સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ બનાવમાં પાંચને ઈજા થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી એક દર્દીને ખાનગી હોસ્પિટલ તેમજ અન્યને રાજકોટ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. પંચાસર રોડ પર બઘડાટીની જાણ થતા એ ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમ પણ દોડી ગઈ હતી. હાલ પોલીસ આ બનાવની તપાસ ચલાવી રહી છે.
મોરબીમાં જૂથ અથડામણમાં 5ને ઈજા, સામસામી ફરિયાદ નોંધાઈ - વાહનો રાખવા મુદે બઘડાટી
મોરબીના પંચાસર રોડ પર રસ્તા વચ્ચે વાહન રાખવા મુદે બઘડાટી બોલી ગઈ હતી. આ મારામારીમાં 5 વ્યક્તિને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બંને પક્ષોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદી પોતાની રીક્ષા લઈ કામધંધે જતા હોતા. આ દરમિયાન આરોપીઓ પંચાસર રોડ પર ભુંભરની વાડીના નાકે રસ્તા વચ્ચે મોટરસાયકલ લઈને ઉભા હતા. જેથી રસ્તો કરી આપવાનું જણાવતા સારું નહિ લાગતા બોલાચાલી કરી ગાળો આપી હતી. તેમજ આરોપીઓ લોખંડ પાઈપ અને ધોકા તેમજ પથ્થર જેવા હથિયારો લઈને ઘરમાં અપપ્રવેશ કરી માર મારી મકાનમાં તોડફોડ કરી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષની ફરિયાદ મુજબ, આરોપીઓએ ફરિયાદી તેમજ અન્ય લોકો પંચાસર રોડ પર વાડીના નાકે પોતાનું મોટરસાયકલ રિપેરીંગ કરતા હતા, જે દરમિયાન આરોપીઓએ મોટરસાયકલ સાઈડમાં રાખવા મામલે બોલાચાલી કરી ઝઘડો કરી લાકડાના ધોકા, પાઈપ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એ ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.