- કપાસના પાકમાં ગુલાબી ઈયળ આવતા ખેડૂતો મુશ્કેલીમાં
- માળિયા તાલુકાના અનેક ગામમાં કપાસમાં આવી છે ગુલાબી ઈયર
- કપાસના પાક માટે ગુલાબી ઈયળ કેન્સરના રોગ સમાન
મોરબીઃ જિલ્લાના માળિયા તાલુકાના અનેક ગામમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળ જોવા મળી રહી છે. કપાસના પાક માટે ગુલાબી ઈયળ કેન્સરના રોગ સમાન છે. કપાસના પાકને ગુલાબી ઈયળ બરબાદ કરી નાખે છે.
માળિયા તાલુકામાં કપાસમાં ગુલાબી ઈયળનો આતંક ખેડૂતો કપાસના પાકમાં પશુઓને ચરવા માટે ખુલ્લા મુકવા મજબુર
માળિયાના સુલતાનપુર ગામના ખેડૂતે જણાવે છે કે, તેને ૨૮ વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું. જો કે, ગુલાબી ઈયળે પાક બરબાદ કરી નાખ્યો છે. તેને ૨ લાખ જેટલો વાવેતરનો ખર્ચ કર્યો હતો. દર વર્ષે ૫૦૦ મણ જેટલો કપાસ થાય છે, જોકે, ૫ લાખની ઉપજ ગુલાબી ઈયળો ખાઈ ગઈ છે. જેથી હવે ખેતરમાં પશુને ચરવા ખુલ્લા મૂકી દીધા છે.
હજારો એકર જમીનમાં વાવેલો કપાસનો પાક નિષ્ફળ
કપાસના પાકમાં ઈયળ અંગે સુલતાનપુરના સરપંચે જણાવ્યું કે, માત્ર સુલતાનપુર જ નહિ માળિયા તાલુકાના માંણાબા, ખાખરેચી, સુલતાનપુર, કુંભારીયા, ચીખલી, ઘાટીલા, વેજલપર સહિતના ગામમાં પણ ગુલાબી ઈયળે કોહરામ મચાવ્યો છે અને હજારો એકર જમીનમાં વાવેલો કપાસનો પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતો પોતાના ખેતરમાં પશુને ચરવા ખુલ્લા મૂકી રહ્યા છે. આ વર્ષે કુદરતે કહેર મચાવ્યો છે, તો હમેશની જેમ સરકારે પણ ખેડૂતોની ખાસ મદદ કરી ન હોવાથી ખેડૂત લાચાર સ્થિતિમાં મુકાયો છે. માણાબા ગામના ખેડૂત મનહરભાઈએ જણાવ્યું છે કે, સરકાર પાક્વીમો તાકીદે ચુકવે તે જરૂરી છે અન્યથા ખેડૂતો દેવામાં ડૂબી જશે.
સરકાર ખેડૂતોને પાકવીમો ચુકવે તેવી માંગ
દિવાળી બાદ કપાસની આવકની રાહ જોતા ખેડૂતના હાથ ખાલી જ જોવા મળે છે. ગુલાબી ઈયળના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર તાકીદે પાકવીમો ચુકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે