હળવદ માર્કેટીંગ યાર્ડમાં શનિવાર સવારે કામકાજ શરુ થયા બાદ કપાસની હરાજીમાં ભાવો ઓછા મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોને ભાવમાં અસંતોષ થતા હરાજી અટકી પડી હતી. ખેડૂતોએ કપાસની હરાજી મામલે જણાવ્યું કે, મીડીયમ ગુણવત્તાનો કપાસ હોય તો પણ 900 રૂપિયા સુધી ભાવ મળે તો જ ખેડૂતોને પરવળે તેમ છે. એવામાં કપાસના ભાવ 700 થી 750 બોલાતા હતા. જયારે અન્ય ખેડૂતે જણાવ્યું કે, આ વર્ષે પાછોતરા વરસાદથી પાકને નુકશાન થયું છે અને ઉત્પાદન ઓછું છે. તેમજ કપાસની ગુણવત્તાને પણ અસર પહોંચી છે. ત્યારે ખેડૂતોને કપાસનું પૂરતું વળતર મળે એવી અમારી માગ છે.
કપાસના યોગ્ય ભાવ ન મળતા હળવદ યાર્ડમાં ખેડૂતોએ કર્યો હોબાળો - farmers-made-aswing-in-a-market-yard-that-did-not-get-proper-cotton-prices
મોરબી: ગત વર્ષે સારા વરસાદને પગલે ખેડૂતોને સારી ઉપજની આશા હતી. પરંતુ, પાછોતરા વરસાદે બાજી બગાડી હતી. મોરબી જિલ્લામાં કપાસનું વાવેતર વધુ થયું હતું. શનિવારે હળવદ માર્કેટીંગ યાર્ડમાં કપાસની હરાજી શરુ કરવામાં આવી હતી. પરંતુ, કપાસના ભાવો ઓછા મળતા હોવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોને કપાસના ભાવો ઓછા મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
શનિવારે માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરુ થતા ભાવના મુદ્દે ખેડૂતોને અસંતોષ થતા હંગામો કર્યો હતો. અને હરાજી એકાદ કલાક રોકવાની ફરજ પડી હતી. કપાસના ભાવ અંગે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે, ગુણવત્તાને આધારે વેપારીઓ કપાસનો ભાવ નક્કી કરતા હોય છે. આજે ભાવ મામલે અસંતોષ થતા થોડીવાર માટે હરાજી રોકવી પડી હતી. બાદમાં ખેડૂતો અને કમીશન એજન્ટ વેપારીઓને સમજાવવાથી મામલો થાળે પડ્યો હતો અને હરાજી પુન: શરુ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વારંવાર ખેડૂતોને કપાસ સહિતના પાકો માટે હંગામો કરવો પડે છે. અને પોતાના હક માટે લડત કરવી પડે છે. છતાં, ખેડૂતોના ન્યાય માટે કોઈ ગંભીરતા દાખવતું નથી અને ખેડૂતોના પ્રશ્નો અધ્ધરતાલ જ જોવા મળી રહ્યા છે.