- ખેડૂતોએ કેનાલ પર ભેગા થઇ કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત કરી
- 14 ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે
- બે દિવસમાં પાણી આપવામાં નહિ આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ
મોરબી: માળિયા તાલુકામાંથી નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ પસાર થતી હોવા છતાં દર વર્ષે ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. ચાલુ વર્ષે શરૂઆતમાં સારો વરસાદ થતા ખેડૂતોએ હોશભેર વાવણી કરી હતી તો હવે મેઘરાજા રૂઠ્યા છે અને વરસાદ ખેંચાયો છે, ત્યારે ખેડૂતોને કેનાલ મારફત પાણી મળે તે એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
આ પણ વાંચો- ભાદર 1 ડેમનું પાણી માત્ર સિંચાઇ માટે આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર
ખેડૂતોએ મામલતદાર કચેરીએ રોષભેર ઉગ્ર રજૂઆત કરી
માળિયા બ્રાન્ચ કેનાલમાં છેવાડાના 14 જેટલા ગામોને કેનાલ હોવા છતાં પાણી મળતું નથી. જેથી ખેડૂતો કેનાલ પર એકત્ર થયા હતા અને મામલતદાર કચેરીએ રોષભેર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. બે દિવસમાં પાણી ના મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દર વખતે ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડે છે.
કેનાલમાં પાણી પ્રશ્ને મામલતદાર કચેરીએ આવેદન અપાયું
માળિયા તાલુકાની બ્રાન્ચ કેનાલમાં પાણી પ્રશ્ને મામલતદાર કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં માળિયા તાલુકાના જુના ઘાટીલા, મંદરકી, કુંભારિયા, વેજલપર, સુલ્તાનપુર, વેણાસર, માણાબા, ખીરઈ, હરીપર, કાજરડા, ચીખલી, વરડુસર સહિતના ગામોના ઉભા મોલ સુકાઈ જવાની અણીએ છે, ત્યારે બે દિવસમાં પાણી આપવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે.
બે દિવસમાં પાણી આપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરાશે
આ અંગે ખેડૂત આગેવાન મહેશભાઈ પારેજીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગ છે કે બે દિવસમાં પાણી આપવામાં આવે અને નિષ્ફળ જતા પાકને બચાવવામાં આવે. જો બે દિવસમાં પાણી નહિ આપવામાં આવે તો ઉગ્ર આંદોલન, ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
નેતાઓ ખાલી વચન આપે છે
સુલતાનપુર ગામના ખેડૂત જણાવે છે કે, દર વખતે નેતાઓ વચન આપે છે, પરંતુ પાણી મળતું નથી. કેનાલની સફાઈ કરવામાં આવી ન હોવાથી પાણી પહોંચતું નથી અને ખેડૂતોને કેનાલ સુવિધા હોવા છતાં પાણી માટે વલખા મારવા પડે છે.
ખેડૂતોએ પાણીની માંગ સાથે આવેદન આપ્યું
માળિયાના મામલતદારે ડી.સી.પરમારે જણાવ્યું હતું કે, આજે ખેડૂતોએ પાણીની માંગ સાથે આવેદન પાઠવ્યું હતું. ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જાય તેમ છે. જે બચાવવા તેઓએ પાણીની માંગ કરી છે. જે રજૂઆતને યોગ્ય કક્ષાએ પહોંચાડી ખેડૂતોના પાણીનો પ્રશ્ન ઉકેલાય તેવા પગલા ભરાશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો- વરસાદની ખેંચથી પાક બચાવવા 9.5 લાખ એકર જમીનને પાણી આપવાનું શરૂ : CM વિજય રૂપાણી
માળિયા તાલુકાના ખેડૂતોને દરવર્ષે આંદોલન બાદ જ પાણી મળે છે
આમ ખેડૂતો ઉભા પાક બચાવવા હવાતિયા મારી રહ્યા છે, તો બે દિવસમાં પાણી ના મળે તો ઉપવાસ આંદોલન કરવા જણાવ્યું છે. ખેડૂત આગેવાને આત્મ વિલોપન કરવાની પણ ચીમકી આપી છે. માળિયા તાલુકાના ખેડૂત દર વર્ષે આંદોલન કરે છે. પછી જ પાણી મળતું હોય તેવો ઘાટ જોવા મળે છે અને દર વખતે ખેડૂતોને આંદોલન કર્યા બાદ જ પાણી મળશે. શું તંત્ર અને નેતાઓ ખેડૂતોના આંદોલનની રાહ જોઈ રહ્યા છે કે, ખેડૂતો આંદોલન કરે પછી જ પાણી આપીશું તેવી ચર્ચા પણ ખેડૂતોમાં જોવા મળી હતી.