મોરબીઃ સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનું બાંધકામ વર્ષ 1877માં કરવામાં આવ્યું હતું. આ ઝૂલતા પુલ વિશેની રસપ્રદ માહિતી પર નજર કરીએ તો,
- પુલ 233 મીટર લાંબો અને 4.6 ફૂટ પહોળો છે.
- પુલ મોરબીની મુખ્ય નદી મચ્છુ પર આવેલો છે.
- મોરબીના દરબાર ગઢ પાસેથી પસાર થતી નદી પર આ પુલ રાજા વાઘજી ઠાકોરે બંધાવ્યો હતો.
- પુલની ખાસિયત એ છે કે, આ પુલ ઝૂલે છે. જેથી તેને ઝૂલતો પુલ નામ આપ્યું છે.
- પુલ પર એક તરફ દરબારગઢનું અદ્ભુત બાંધકામ, નીચે નદી અને રમણીય વાતાવરણ છે
મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ આજે પણ છે અડીખમ, પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
મોરબીના ઝૂલતા પુલ વિશે મોરબીના પ્રખ્યાત શાસ્ત્રીજીએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે, મોરબીનો આ પુલ ઝૂલતો હોવાથી તેને ઝૂલતો પુલ નામ આપવામાં આવ્યું છે. 19મી સદીના અંતમાં બનેલો આ પુલ એ સમયની અજાયબી સમાન હતો. એટલું જ નહીં, પરંતુ આ ઐતિહાસિક ધરોહરની આઝાદી બાદ તંત્રએ પણ જાળવણી કરી છે.
મોરબી શહેરમાં 1979માં વિનાશક પૂર આવ્યું હતું, 2001માં આવેલા ભૂકંપ જેવી બે બે કુદરતી હોનારતો છતાં પુલ અડીખમ છે. ચોક્કસપણે આ હોનારતોએ પુલને નુકસાન કર્યું હતું. જોકે, તેની મૂળ રચનામાં છેડછાડ કર્યા વિના તેનું સમારકામ કરીને આજે પણ તેને લોકો માટે ખુલ્લો રાખવામાં આવે છે.
ઝૂલતો પુલ મોરબીના લોકો માટે તો ગૌરવ સમાન છે, જ પરંતુ બહારથી આવતા પ્રવાસીઓ પણ ઝુલતા પુલને જોવા અને તેના પરથી પસાર થઈને રોમાંચક આનંદ લેવા આતુર જોવા મળે છે. એમ કહી શકાય કે, અન્ય શહેર કે અન્ય રાજ્યમાંથી આવેલા પ્રવાસીઓ મોરબીના ઝુલતા પુલની મુલાકાત લીધા વિના પરત ફરતા નથી.
મોરબીનો ઝૂલતો પુલ બનાવવાની પ્રેરણા રાજાને તેમના યુરોપ પ્રવાસમાંથી મળી હતી. યુરોપમાં ફરતી વેળાએ તેમને એક પુલ જોઈને મોરબીના મચ્છુ નદી પર પુલ બાંધવાનું નક્કી કર્યું હતું. મોરબીની પ્રજા માટે તેમજ દેશ અને દુનિયાના પર્યટકો માટે અજાયબી સમાન આ ઝૂલતા પુલનું નિર્માણ કરાવ્યું હતું.