મોરબી: શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંભણીયા મોરબીના પ્રવાસે છે, ત્યારે તેમણે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજુભાઈ કાવર અને મનોજ પનારા સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે યુવાનોને રોજગારી આપવાની લડતમાં સમર્થન માંગ્યું હતું. ત્યારબાદ ભાજપ આગેવાનો આઈ કે જાડેજા, રાઘવજીભાઈ ગડારા અને બ્રિજેશભાઈ મેરજા સહિતના આગેવાનોને મળ્યા હતા. વિવિધ ભરતીમાં પાસ થયા બાદ યુવાનો બેરોજગાર છે, જેને તાકીદે પોસ્ટીંગ મળે તેવી માગ કરી હતી.
મોરબીમાં દિનેશ બાંભણીયાનું એલાને જંગ, રોજગારીનો પ્રશ્નના ઉકેલાય તો ભાજપ વિરુદ્ધ પ્રચાર - દિનેશ બાંભણીયા
ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ ઉમેદવારો પોસ્ટીંગની રાહ જોઇ રહ્યા છે. તેમજ ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. તેમ છતાં સરકાર તેની વાત સાંભળતી નથી. જેથી દિનેશ બાંભણીયાની આગેવાનીમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિએ કોંગ્રેસ નેતાઓ તેમજ ભાજપ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ પેટા ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખીને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
મોરબી
આ અંગે દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, એલઆરડી સહિતની પરીક્ષામાં યુવાનો પાસ થયા હોય છતાં પોસ્ટીંગ મળતું નથી. તેમજ વર્ષ 2015થી વિવિધ ભરતીમાં કુલ 54,000 જેટલા યુવાનો પોસ્ટીંગની રાહ જુએ છે, જેને તાકીદે ન્યાય મળે તે માટે માગ કરી હતી. તેમજ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મોરબી સહિતની પાંચ વિધાનસભા પેટા ચૂંટણીમાં 200-200 જેટલા અપક્ષ ઉમેદવારો ઉભા રાખશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર પણ કરવાનું એલાન કર્યું છે.