ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મંત્રી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના સિંચાઈ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લા અને કચ્છને જોડતા વચ્ચે જે કચ્છનું નાનું રણ કહેવાય છે. તે વિસ્તાર લાખો એકરનો છે અને આ વિસ્તારમાં હાલ કોઈ એવી યોજના નથી કે જેના વડે આ બિન ઉપયોગી જગ્યામાં પાણી રહે અને તેનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છને મળે. જો સરકાર આ બાબતે યોગ્ય ઈન્વેસ્ટીગેશન કરાવે તો અહીં સરકાર દ્વારા વિચારાધીન કલ્પસર જેવી યોજના ખૂબ જ ઓછા ખર્ચે બની શકે તેમ છે.
કચ્છના નાના રણમાં ભરતી નિયંત્રક યોજના દ્વારા સિંચાઈ સુવિધાની માંગ - Gujarati News
મોરબીઃ જગતનો તાત મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે અને ચારેબાજુ પીવાના પાણીના પોકારો સંભળાય રહ્યા છે. ખેતીલાયક જમીન બિનખેતીમાં ફેરવાઈને મકાનો અને ફેક્ટરી બની રહી છે, ત્યારે ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવા માટે કચ્છ નાના રણમાં ભરતી નિયંત્રક યોજના બનાવીને સૌરાષ્ટ્ર-કચ્છને સિંચાઈની સુવિધા આપવાની માંગ કરવામાં આવી છે.
આ યોજના બનતા લાખો મિલિયન ક્યુબીક ફીટ મીઠા પાણીનો જથ્થો સ્ટોરેજ થઇ શકે તેમ છે. જે મીઠુ પાણી સિંચાઈના ઉપયોગમાં લઇ શકાશે અને બીજો ફાયદો એ થશે કે હાલમાં દરિયાના પાણીના કારણે જે ખેતીલાયક જમીનમાં ખારાશ આવી રહી છે, તેને પણ રોકી શકાશે. આ બાબતે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ યોજનાથી આ વિસ્તારના ઘણા ગામોને મોટો ફાયદો થશે. હાલ આ વિસ્તારના ગામોના લોકો રોજીરોટીના અભાવે પોતાના ગામ છોડીને શહેર તરફ હિજરત કરી રહ્યા છે, તેઓ પાછા પોતાના ગામમાં આવશે.
લોકોને પોતાના જ ગામમાં પોતાની ખેતીની જમીન દ્વારા રોજી રોટી મળી રહેશે. રાષ્ટ્ર માટે જે અગત્યનું છે જેમ કે, અનાજ, શાકભાજી, ફળફૂલ અને દૂધ વગેરેનું ઉત્પાદન વધશે અને ખેડૂતો સધ્ધર થશે. જેથી યોજના વિષે યોગ્ય વિચારણા કરી અમલમાં મુકવાની માંગ કરવામાં આવી હતી.