મોરબી: જિલ્લામાં કુલ 3.23 લાખ હેક્ટર જમીનમાં ખેતીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોને નુકસાન થયું છે. મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં 66 હજારથી વધુ હેક્ટર ખેતની જમીનમાં નુકસાન થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લામાં પાક નુકસાનીની સર્વે માટે 50 ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં તલાટી મંત્રી, ગ્રામ સેવક સાથે સરપંચ અને ઉપસરપંચ પણ હાજર રહેશે. આ ટીમો દ્વારા 10 સપ્ટેમ્બર સુધીમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
મોરબી જિલ્લામાં ભારે વરસાદથી જગતના તાતને નુકસાન, સર્વેની મુદ્દત વધારવા માગ
રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે બાદ રાજ્યની વિવિધ નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં જગતના તાતને નુકસાન થયું છે. મોરબી જિલ્લામાં કુલ 3.23 લાખ હેક્ટર જમીનમાં ખેતીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
મોરબી તાલુકા ભાજપ પ્રમુખે આક્ષેપ કર્યો કે, આ સર્વે કામગીરી મુદ્દત સમય મર્યાદામાં પૂર્ણ થઇ શકશે નહી. મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડિયાએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાની અંગેનો સર્વે કરવા ટીમની રચના કરવામાં આવી છે. આ સર્વે ટીમ બાબતે મોરબી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ખેડૂતો દ્વારા પ્રશ્નો મળ્યા છે. જેમાં ખેતરોમાં પાણી હોવાથી સર્વે ટીમના અધિકારીઓ અને સરપંચ ખેતર સુધી પહોંચી શકતા નથી. એક સર્વે ટીમને 7-8 ગામો સોંપવામાં આવ્યા છે. 6000 થી 10,000 સુધી સર્વે નંબર એક ટીમ 10 દિવસમાં કેવી રીતે સર્વે કરી શકે? જે પ્રશ્નોના નિરાકરણ માટે સર્વેની મુદ્દત વધારવી અને ટીમમાં અધિકારીઓની સંખ્યા વધારવી, જરૂરી ટ્રેનિંગ આપવાની માગ પણ કરવામાં આવી છે.