મોરબીઃ જિલ્લાના અમરાપર ગામમાં વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. અમરાપર ગામના પૂર્વ સરપંચ જણાવે છે કે, ગામમાં વાવણીલાયક 4000 વીઘા જમીન છે. જેમાં ખેડૂતોએ વાવેતર કર્યા હતાં. જો કે, ભારે વરસાદ વરસતા તમામ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે અને ખેડૂતોના પાક બળી ગયા છે. જેથી ગામના ખેડૂત આગેવાને સરકાર પાસે માંગ કરી હતી કે, સરકાર તાકીદે સર્વે કરાવે અને ખેડૂતોને જે નુકસાની થઇ છે. જેનો સર્વે કરાવી વળતર ચૂકવાય તેવી માગ કરી છે.
મોરબીના અમરાપર ગામે ખેતરોમાં પાણી પાણી, ખેડૂતો ચિંતિત - Gujarat Samachar
મોરબી જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. મોરબીના અમરાપર ગામની વાત કરીએ તો આ ગામની 4000 વીઘા જમીનમાં વાવેલા કપાસ, મગફળી, મકાઈ, બાજરી અને તલ જેવા તમામ પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે અને હવે જો સરકાર ખેડૂતોને સહાય ચૂકવે તો ખેડૂત ફરીથી બેઠો થઇ શકશે નહીં તો દેવાના ડુંગર તળે ખેડૂત ડૂબી જશે, ત્યારે આવો અમરાપર ગામના ખેડૂતોની દયનીય સ્થિતિ વિશે આ વિશેષ અહેવાલ જોઈએ.
અમરાપર ગામમાં ભારે વરસાદના કારણે પાકોને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે ગામના ખેડૂત ભરતભાઈ બોરીચા જણાવે છે કે, 50 વીઘા જમીનમાં કપાસ, બાજરી, મકાઈ અને મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદે પાક તમામ નિષ્ફળ ગયો છે. હવે સરકાર જલ્દી સહાય આપે.
જ્યારે અન્ય ખેડૂત રમેશભાઈ જણાવે છે કે, 60 વીઘા જમીન છે. જેમાં કપાસ, તલ જેવા પાકો વાવ્યા હતા. જે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા છે. આમ, મોરબીના અમરાપર ગામે આમેય વરસાદ આધારિત ખેતી થાય છે. આ ગામના ખેડૂતોને સિંચાઈની સુવિધા જેવા કોઈ લાભો મળતા નથી, જો કે, ચાલુ વર્ષે શરૂઆતના સારા વરસાદે ખેડૂતોને સારૂ વર્ષ જવાની આશા હતી અને હોશભેર વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લે થયેલા ભારે વરસાદે ખેડૂતોના અરમાન પર પાણી ફેરવી દીધું હતું. હવે જો સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે તો જ ખેડૂતો દેવાથી બચી શકશેે.