- મોરબીમાં કોંગી કાર્યકર પર જીવલેણ હુમલો
- ભાજપ ઉમેદવારના ભત્રીજા સહિત 8 સામે ગુનો દાખલ
- મારામારીનો ખાર રાખી હુમલો કર્યાની ફરિયાદમાં ઉલ્લેખ
મોરબી : સોમવારે ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે તાલુકા સેવાસદનમાં વોર્ડ નં.-1ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના જૂથ અને વોર્ડ નં.-1ના કોંગ્રેસના કાર્યકર કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે છુટા હાથની મારામારીના બનાવ બાદ સમાધાન થયું હતું. સાંજના સમયે મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી પર રહેતા કોંગ્રેસ કાર્યકર કનુભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના ઘરે સોમવારે સાંજે હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ આતંક મચાવ્યો હતો. સમગ્ર પરિવાર તેમજ આસપાસના વિસ્તારને બાનમાં લઈને કાયદો વ્યવસ્થાના જાણે ભય જ ન હોય તે રીતે આરોપીઓએ ધોકા પાઇપ જેવા હથિયારથી બન્ને ભાઈ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.