ખેડૂતો પોતાના પાકને બચાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અષાઢી બીજથી નર્મદાની મોરબી જિલ્લામાં આવતી ત્રણ કેનાલો સહિત સૌરાષ્ટ્રની કુલ છ શાખા નહેરમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કે ઉપરવાસમાં કેનાલમાંથી બકનળીઓ મુકીને પાણી ખેચી લેવામાં આવતા છેવાડાના ખેડૂતોને પાણી મળતું નથી. હવે કેનાલમાંથી પાણી ચોરી કરનારા શખ્સોની સામે હવે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને હળવદ તાલુકાના કુલ મળીને ૧૯ જેટલા ખેડૂતોની સામે ગુરૂવારે કેનાલમાંથી ગેરકાયદે પાણી ચોરી કરવા મામલે તથા કેનાલમાં નુકસાન કરવા મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબીમાં નર્મદા કેનાલ માંથી પાણી ચોરી કરનારા 19 ખેડૂતો સામે ફરિયાદ - Ravi Motwani
મોરબીઃ જિલ્લામાં ચાલુ વર્ષે હજુ સુધી નહીવત વરસાદ પડ્યો છે. જેથી કરીને આગોતરી વાવણી કરી નાખનારા ખેડૂતોની હાલત હાલમાં કફોળી બની છે. આવા સમયે ખેડૂતો પોતાના પાકને બચાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અષાઢી બીજથી નર્મદાની મોરબી જિલ્લામાં આવતી ત્રણ કેનાલો સહિત કુલ મળીને સૌરાષ્ટ્રની છ શાખા નહેરમાં નર્મદાના નીરને સિંચાઈ માટે છોડવામાં આવ્યું હતું. છેવાડાના ખેડૂતોને પાણી ન મળતા કેનાલમાંથી પાણી ચોરી કરવાનો મામલો સામે આવતા 19 જેટલા ખેડૂતો સામે ગુનો નોંધાવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર શાખા નહેર પેટા વિભાગ નંબર 3 ના અધિકારી રાજેન્દ્રપ્રસાદ ઈશ્વરલાલ પંડ્યાએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે નર્મદાની માળીયા કેનાલમાંથી બકનળીઓ નાખીને ગેરકાયદે પાણી ચોરી કરતા ખેડૂતોની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં હળવદ અને ઘનશ્યમગઢ ગામના કુલ મળીને ૧૯ ખેડુતોનો સમાવેશ થાય છે. તેમાં ચિનુભાઈ પટેલ, ભરતભાઈ દલવાડી, મજનુંભાઈ, કિશોરભાઇ પટેલ, દયારામભાઇ દલવાડી, રણછોડભાઈ દલવાડી, ગણેશભાઈ ખોડાભાઈ, મુકેશભાઈ ગોરધનભાઈ, ડાયાભાઈ, ઘનશ્યામભાઇ પટેલ, નંદાભાઇ , હસુભાઇ, માવજીભાઇ, સુભાષભાઇ, મુકેશભાઇ, અંબારામભાઇ અને પોપટભાઇ ખોડાભાઇ સામે ફરિયાદ નોંધાવી છે
મોરબી જિલ્લામાં જળજથ્થો મર્યાદિત પ્રમાણમાં હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા થોડા સમય પહેલા સ્થાનિક જળાશયો તેમજ નર્મદાની કેનાલમાંથી ગેરકાયદે પાણી નહી ઉપાડવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં પણ મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં બકનળીઓ મૂકીને ખેડૂતો દ્વારા નર્મદાના પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને નર્મદાના પાણીનો બગાડ અટકે અને જે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર છે, તેઓને પાણી મળી રહે તેવા માટે હવે પાણીનો બગાડ કરતા ખેડૂતોની સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.