મોરબી: જિલ્લામાં કોરોના કેસના આંકડા દિન પ્રતિદિન વધી રહ્યા છે. તો મૃત્યુઆંક પણ માથું ઉચકી રહ્યો છે. ત્યારે મહામારીના સમયમાં વાહનમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જર ભરીને વાહનચાલકો બિન્દાસ પરિવહન કરી રહ્યા છે. જયારે ટ્રાફિક પોલીસ નિંદ્રાધીન જોવા મળી રહ્યા છે.
મોરબીમાં કોરોના મહામારી વચ્ચે વાહચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
કોરોના કેસના આંકડા દિન પ્રતિદિન વધી રહ્યા છે અને મૃત્યું આંક પણ વધી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે વાહનોમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થઇ રહ્યો છે. મોરબીમાં વાહનચાલકો બિન્દાસ પરિવહન કરી રહ્યા છે.
મોરબીમાં પેસેન્જર વાહનોમાં નિયમ વિરુદ્ધ વધુ પ્રવાસ કરતા જોવા મળી રહ્યાં છે સામાન્ય સ્થિતિમાં પણ પીકઅપ વાહનો અને રીક્ષામાં ઘણા પ્રવાસી ભરેલા જોવા મળતા હોય છે. જોકે હાલ કોરોના મહામારીના સમયમાં ઘેટા-બકરાની જેમ પ્રવાસી ભરીને પ્રવાસ કરવો મોટું જોખમ બની સકે છે અને કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ અનેકને સંક્રમણ લગાવી સકે છે.
આમ છતાં મોરબીના શનાળા બાયપાસ પાસેથી પીકઅપ વાહનમાં પાછળ ખીચોખીચ પેસેન્જર ભરેલા વાહનો આરામથી પરિવહન કરી રહ્યા છે. જોકે તેને રોકનારા કે ટોકનારા કોઈ નથી શનાળા બાયપાસ ખાતે મોરબી પોલીસની ચેકપોસ્ટ આવે છે તો બાયપાસથી નવલખી ફાટક પાસે પણ ટ્રાફિક પોલીસ પોઈન્ટ હોય છે જોકે આવા વાહનો છતાં પણ બિન્દાસ નીકળી જાય છે અને તેને કાયદાનો કે પોલીસનો ડર રહ્યો નથી તો ટ્રાફિક પોલીસને પણ આવા વાહનો કેમ દેખાતા નથી તે મોટો સવાલ છે.