મોરબી :વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ અને મોરબી તાલુકા પોલીસ મથકના એક એમ ચાર કર્મચારીની બદલી કરવામાં આવી છે. ત્યારે શું ટોલનાકા પ્રકરણમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાયો છે કે પછી અન્ય કારણ તેની ચર્ચાએ જોર પકડ્યું છે.
ચાર પોલીસકર્મીઓની બદલી : આ અંગે મળતી વિગત મુજબ વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકા પ્રકરણ રાજ્યભરમાં ખૂબ ગાજ્યું હતું. આ પ્રકરણમાં મોટા માથાની સંડોવણી સામે આવી હતી. જોકે પોલીસ ફરિયાદ નોંધાયાના 15 દિવસ વીત્યા છતાં હજુ સુધી પોલીસ રાજકીય વગ ધરાવતા આરોપીઓને પકડી શકી નથી. આજે વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીની બદલી કરવામાં આવી છે.
નાના કર્મચારીઓનો ભોગ લેવાયો ?બદલી કરવામાં આવેલ પોલીસકર્મીઓમાં દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાની માળીયા પોલીસ મથકમાં, કૃષ્ણરાજસિંહ પૃથ્વીસિંહ ઝાલાની ટંકારા જ્યારે પ્રતિપાલસિંહ અનિરુદ્ધસિંહ વાળાની મોરબી ટ્રાફિક શાખામાં અને મોરબી તાલુકામાં ફરજ બજાવતા જ્યેન્દ્રસિંહ ખોડુભા ઝાલાને QRT વિભાગમાં બદલી કરવામાં આવ્યા છે.
પોલીસબેડામાં શું ચર્ચા થઈ જાણો !હાલ આ પોલીસકર્મીઓની બદલી ક્યાં કારણોસર કરવામાં આવી છે, તે અંગે પોલીસ વિભાગ કોઈ સ્પષ્ટ કારણ આપી રહી નથી. પરંતુ ટોલનાકા પ્રકરણમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાયો હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. વગદાર આરોપીઓને પોલીસ પકડી શકતા નથી અને નાના કર્મચારીઓ સામે કાર્યવાહીની ગાજ વરસી રહી હોય તેવી ચર્ચા પોલીસ વર્તુળમાં જોવા મળી રહી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ બદલી રૂટિન બદલી છે.
- વઘાસિયાના નકલી ટોલનાકા કાંડમાં ભાજપ અગ્રણી સહિત બે આરોપીઓની આગોતરા જામીન અરજી મોરબી કોર્ટે ફગાવી
- વાંકાનેર ગેરકાયદે ટોલનાકા પ્રકરણમાં 11 દિવસ બાદ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર