નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આવનારી વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ અનેક નવા પ્રયોગો ઉમેદવારોની પસંદગીમાં કર્યા છે. મોરબીથી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને (Former MLA Kantilal Amrutiya) ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં (Morbi tragedy) કાંતિલાલ અમૃતિયા લોકોનો જીવ બચાવવા પાણીમાં કૂદી ગયા હતા. પહેલા તેઓ ઉમેદવારોની યાદીમાં સામેલ ન હતા પરંતુ આ ઘટનાને ધ્યાને રાખીને તેમને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપની યાદી જાહેર:મોડી રાત સુધી ચાલેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 160 બેઠકોના ઉમેદવારોના નામ મંજુર કરવામાં આવ્યા હતા. ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે પત્રકાર પરિષદ કરીને ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. મોરબી સીટ પર હાલ બ્રિજેશ મેરજા જેઓ કેબિનેટ મિનિસ્ટર હતા તેઓ ધારાસભ્ય છે. તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. કાંતિલાલ અમૃતિયા પાટીદાર સમુદાયમાંથી આવે છે. તેઓ 1995, 1998, 2002, 2007 અને 2012માં મોરબી વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.
પાણીમાં કૂદીને લોકોનો જીવ બચાવ્યો: 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર બ્રિટિશ સમયનો કેબલ બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 135 લોકોનાં મોત થયાં હતાં. આ દ દુ:ખદ ઘટનાને લઈને સત્તાધારી ભાજપ પર નિશાન સાધતા વિરોધ પક્ષોએ સરકાર પર ઠીકરું ફોડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના દરમિયાન અમૃતિયાએ નદીમાં કૂદી પડવાના અને પુલ તૂટી પડતાં લોકોને બચાવવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થઈ હતી.
કોણ છે કાંતિ અમૃતિયા?: પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં પટેલ સમુદાયના પરિવારમાં થયો હતો. મોરબીમાં પૂર દરમિયાન 1970ના દાયકામાં પણ તેમને કામ કર્યું હતું. તેમણે મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા અને નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. સંસ્થામાં પૂર્ણ-સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
અમૃતિયાનો રાજકીય ઇતિહાસ: કાંતિ અમૃતિયાએ તેમના સામાજિક જીવનના પ્રારંભિક વર્ષો દરમિયાન RSSમાં સ્વયંસેવક હતા. તેમણે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરોને ઉત્સાહિત કરવાનું પડકારજનક કાર્ય હાથ ધર્યું હતું. પ્રારંભિક સમયગાળામાં તેમણે મોરબીની નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી હતી.
પાંચ વખત રહી ચુક્યા છે ધારાસભ્ય: કાંતિભાઈ પ્રથમ વખત 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓ ધારાસભ્ય તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાનાભાઈ 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણીતા છે. તેમણે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું છે. મહત્વનું છે કે, 30 ઓગસ્ટ 2015ના રોજ મોરબી સિરામિક ફેડરેશનના મુખ્યમથકને પાટીદાર ટોળા દ્વારા આગ લગાવ્યાના 5 દિવસ બાદ કાંતિ અમૃતિયાએ તેમના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું. અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન તેમની ઓફિસને સળગાવી દેવામાં આવી હતી.