મોરબીઃ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બનવા સમગ્ર દેશના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. જેમાં મોરબીમાંથી માત્ર 2 લોકોને આમંત્રણ મળ્યા છે. જેમાં એક છે RSS પશ્ચિમ ક્ષેત્રના સરસંધ સંચાલક ડો.જયંતી ભાડેશીયા અને બીજા છે નિવૃત્ત જીવન ગુજારતા ભાનુબેન સોલંકી. ભાનુબેને સરકારી નોકરી પરથી રિટાયર્ડ થયા ત્યારે મળેલ ગ્રેજ્યુઈટી, બીજી સહાયના નાણાં તેમજ સગા સંબંધી પાસેથી ઉઘરાવેલ કુલ રુપિયા 27 લાખ રુપિયા અયોધ્યામાં દાન કરી દીધા હતા.
10 વર્ષ અગાઉ દાનઃ મોરબીના 82 વર્ષીય ભાનુબેન સોલંકી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપીને નિવૃત થયા છે. તેમજ તેના બહેન જે હાલ હયાત નથી તેઓ શિક્ષિકા હતા. બંને બહેનોએ પોતાની સેવા નિવૃત્તિ બાદ મળેલ તમામ રકમ ઉપરાંત પરિવારના સભ્યોએ આપેલ સહયોગ એમ કુલ મળીને 27 લાખ રુપિયા રામ મંદિર નિર્માણ માટે દાન કર્યા હતા. 10 વર્ષ અગાઉ તેણીએ અયોધ્યાની મુલાકાત લીધી ત્યારે તંબુમાં બિરાજમાન ભગવાન રામને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેથી તેમણે પોતાની મરણમૂડીને દાનમાં આપવાનો નિર્ણય કર્યો હતો. જેના ફળ સ્વરુપે તેમણે રામ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.