મોરબીઃ મોરબી જિલ્લામાં આવેલા મેડીકલ, કૃષિ, પ્લાસ્ટિક, પેકેજીંગ અને પોલીપેકના યુનિટોને તબક્કાવાર મંજૂરી આપી ઉદ્યોગો ધીમે ધીમે શરુ કરવામાં આવી રહ્યા છે. જેમાં અગાઉ જીલ્લા કલેકટર દ્વારા 238 એકમોને મંજૂરી આપવામાં આવી હતી અને તાજેતરમાં વધુ 101 યુનિટોને મંજૂરી આપવામાં આવી છે. જીલ્લામાં કુલ 339 યુનિટોને મંજૂરી આપવામાં આવી છે.
જે એકમો શરુ કરવા માટે ઓનલાઈન પરવાનગી આપવામાં આવશે અને શરતોને આધીન મંજુરી મળી શકશે. 20 એપ્રિલથી ઉધોગકારો જીલ્લા કલેકટરની વેબસાઈટ http://morbicollectorate.in/ પર ઓનલાઈન અરજી કરીને મંજુરી મેળવી શકશે.
શરતોના પાલનને સુનિશ્ચિત કરવા 8 ટીમોની રચના
નગરપાલિકા વિસ્તાર સિવાય 20 એપ્રિલથી અમલમાં આવે તે રીતે કચેરીઓ, કાર્ય સ્થળો, કારખાના, સંસ્થાઓની પ્રવૃતિઓ ચાલુ કરવા માટે જિલ્લા કક્ષાની ડિસ્ટ્રીક્ટ ઓથોરિટી કમિટિમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ઓનલાઇન પરવાનગી મેળવવાનું સુનિશ્ચિત કર્યુ છે. જે અન્વયે ઓનલાઇન પરવાનગી હંગામી ધોરણે આપવામાં આવે છે તેવા એકમો દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ 2005ની શરતોનું પાલન કરે છે કે કેમ? તે અંગેની ચકાસણી કરવા માટે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા 8 (આઠ) જેટલી ઇન્સપેક્શન ટીમોની રચના કરવામાં આવી છે.
મોરબી તાલુકા માટે 3, વાકાંનેર તાલુકા માટે 2, હળવદ, ટંકારા, અને માળીયા (મીં) માટે એક-એક ઇન્સપેક્શન ટીમની રચના કરવામાં આવી છે. સમગ્ર કામગીરીનું મોનીટરીંગ ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.