મોરબીમાં પડતર પ્રશ્નો અંગે આંગણવાડી અને આશા વર્કરોના ધરણા
મોરબીઃ શહેરમાં બુધવારે રાષ્ટ્રીય કક્ષાની હડતાલ સાથે રાજ્યની આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાઈ હતી. જેમાં મોરબી ખાતે આશા વર્કર, આંગણવાડી બહેનો અને હેલ્પર સહીત 1000 જેટલા બહેનોએ ધરણા કર્યા હતા.
મોરબી જિલ્લાના આંગણવાડી વર્કરો, હેલ્પર અને આશા ફેસીલીટર બહેનોએ બુધવારે એક દિવસની હડતાલ કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા પંચાયત કચેરીએ ધરણા કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં વિવિધ પડતર માંગણીઓ જેવી કે, આઈસીડીએસનું ખાનગીકરણ બંધ કરવું, આંગણવાડી વર્કર અને હેલ્પરને લઘુતમ વેતનમાં સમાવેશ કરી કાયમી દરજ્જો આપવો તેમજ રૂપિયા 21 હજાર લઘુતમ વેતન આપવું, નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવી, તેમજ અન્ય પડતર માગણીઓ સંતોષવા જણાવ્યું છે. વિવિધ પડતર પ્રશ્નો અંગે આંગણવાડી વર્કરો અને હેલ્પર તેમજ આશા વર્કર બહેનો કામગીરીથી અળગા રહ્યા હતા.