મોરબી: હળવદ તાલુકાના કીડી ગામ નજીક આવેલા રણમાં 50 જેટલા અગરિયાઓ મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં નર્મદા કેનાલના પાણી રણમાં ધુસી જતાં અગરિયાઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, ત્યારબાદ હવે નર્મદાના પાણીએ અગરિયાઓને રડાવ્યા છે. નર્મદાના કેનાલના પાણી 2 દિવસથી રણ સુધી પહોંચ્યા છે અને 15થી વધુ મીઠાના અગરમાં પાણી ધુસી ગયાં છે. જેથી અગરિયાઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે.
નર્મદા કેનાલના પાણી મીઠાના અગરમાં ધુસી જતાં અગરિયાઓ મુશ્કેલીમાં - હળવદના તાજા સમાચાર
ચોમાસાની સિઝન દરમિયાન અતિવૃષ્ટિ અને માવઠાના મારના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો, ત્યારબાદ હવે અગરીયાઓ મુશ્કેલી વેઠી રહ્યાં છે. હળવદ તાલુકા કીડી ગામે મીઠાના અગર પર પાણી ફરી વળતાં અગરિયાઓ પર મુસીબત આવી છે.
મીઠું પકવતા અગરિયાઓ એક પાળો બનાવવા માટે મજૂરી, ટ્રેક્ટર, સોલાર સહિતનો 50,000 જેટલો ખર્ચ કરે છે, પરંતુ મીઠું તૈયાર થયા બાદ તેની યોગ્ય કિંમત મળતી નથી. આ ઉપરાંત કેનાલના પાણી મીઠાના અગરમાં ઘુસી જતાં અગરિયાઓનું મીઠું પણ તૈયાર થતું નથી. જેથી અગરિયાઓ મીઠું પકવવા માટે જે ખર્ચ કરે છે, તે વ્યર્થ જાય છે.
અગરિયાઓએ આ અંગે જણાવ્યું કે, નર્મદા કેનાલના પાણી રણમાં ધુસી ગયાની જાણ થતાં અમે સંબધિત અધિકારી સાથે ટેલીફોનીક ચર્ચા કરી હતી. ખેડૂતો જરૂરિયાત કરતાં વધારાનું પાણી બહાર છોડી દે છે, જેના કારણે નુકસાન પહોંચે છે. જેથી આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી મામલતદારે આપી છે.