વાંકાનેર: ગેરકાયદે ટોલનાકાનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. સમગ્ર બનાવ મામલે પોલીસે જાતે ફરિયાદી બની 5 આરોપીઓના નામજોગ અને તેની સાથે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે ફરિયાદ નોંધાયાને 11 દિવસ વીત્યા બાદ હજુ આરોપીઓનો પત્તો પોલીસ મેળવી શકી નથી અને રાજકીય વગ ધરાવતા આરોપીઓના નામો ખુલ્યા હોય હજુ ધરપકડ નહિ થતા પોલીસ તપાસ સામે સવાલો ઉભા થયા છે.
ફરિયાદના 11 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસની પકડથી દૂર
જે ફરિયાદ નોંધાયાને 11 દિવસનો સમય વીત્યા છતાં હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીઓ પૈકી અમરશીભાઈ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખના પુત્ર હોય અને આરોપી ધર્મેન્દ્રસિંહ પણ રાજકીય આગેવાન હોય જેથી રાજકીય વગ ધરાવતા આરોપીઓનો પત્તો પોલીસને લાગતો નથી કે પછી રાજકીય દબાણ હેઠળ હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
જે કેસની તપાસ ચલાવનાર વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેકટર પી.ડી સોલંકીએ જણાવ્યું હતું કે ઘટના મામલે તપાસ ચાલુ છે. જોકે હજુ સુધી આરોપીઓ મળ્યા નથી તો ઇન્ચાર્જ મામલતદાર પરમાર સાહેબ તો ફોન ઉઠાવવાની તસ્દી પણ લેતા નથી જેથી તેમનો સંપર્ક થઇ શક્યો નથી.
5 આરોપીના નામજોગ અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ:વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે આરોપીઓ અમરશીભાઈ જેરામભાઈ પાટલે રહે વ્હાઈટ હાઉસ સિરામિક વઘાસીયા તા. વાંકાનેર તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે ચારેય વઘાસીયા તા. વાંકાનેર અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં વઘાસીયા ટોલપ્લાઝા નજીક વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીમાંથી પસાર થતા રોડમાંથી નાના મોટા વાહનો પસાર કરાવી ગેરકાયદે ટોલ નાકુ જ ઉભું કરી નાખ્યું હતું. આમ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વઘાસીયા ટોલનાકું બાયપાસ થઇ જાય અને વાહનો ટોલનાકાની જગ્યાએ વ્હાઈટ હાઉસ સિરામિકમાં પોતે બનાવેલ રસ્તા પર બળજબરીથી લઇ જઈને લોકો પોતે પોતાની મરજી મુજબ ટોલપ્લાઝા દ્વારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવતા હતા. વાહનોને સિરામિકમાંથી બાયપાસ કરાવી સરકારના ટોલનાકા પર ટોલ ઉઘરાવવાની સત્તા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા. લી. ને આર્થિક નુકશાન પહોંચાડી આરોપીઓ કોઈપણ જાતની સત્તા કે અધિકાર વિના ગેરકાયદેસર રીતે વાહનો પસાર કરાવી આર્થિક લાભ મેળવતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
- વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં મામલતદાર અને પોલીસની ટીમો દ્વારા તપાસ, મીટિંગ અને પંચ રોજકામ કરાયું
- બોગસ ટોલનાકા કેસમાં જેરામ પટેલના પુત્રની સંડોવણી મામલે બોલ્યા નરેશ પટેલ, પત્રકાર પરિષદમાં શરૂ થયો રેપીડ ફાયર રાઉન્ડ