મોરબી: તાલુકા ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી ચંદ્રેશ લુહારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, બિયારણમાં થતી ભેળસેળ અને બિયારણની ગુણવત્તા બાબતે દેખરેખ રાખવાની સુચના મળી છે. જેથી મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક સરદાર રોડ પર આવેલ રવી ચેમ્બર્સમાં આવેલ શ્રી ઉમા એગ્રો એજન્સીમાં તપાસ કરી હતી.
મોરબીમાં ભેળસેળ નામવાળા બિયારણનું વેચાણ કરનારો દુકાનદાર ઝડપાયો - news in morbi
મોરબીના સરદાર રોડ પર આવેલ એગ્રો એજન્સીમાં ભેળસેળવાળા અને ભળતા નામવાળા બિયારણનું અનધિકૃત વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે ખેતીવાડી અધિકારીએ તપાસ કર્યા બાદ ભાંડો ફૂટ્યો હતો. તેેમજ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે તપાસ દરમિયાન આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દુકાનદાર બીપીનભાઈ ડુંગરભાઇ વડાવીયાની દુકાનનું ચેકિંગ કરતા એજન્સીની દુકાનમાંથી ભેળસેળવાળા અને ભળતા નામવાળા અનઅધિકૃત તેમજ સરકારની માન્યતા વગરના બિયારણ જેમાં કિશન 555ના કુલ 100 પેકેટ અંદાજે કિંમત રૂ.73,000 અને વર્ષા 151 (એફ 1) કુલ 47 પેકેટ અંદાજે કિંમત રૂ.34,310 અને કપાસ લુઝ બિયારણ 1000 કિલોગ્રામ અંદાજે કિંમત રૂ. 16,22,222 મળીને કુલ 17,29,532 નો મુદામાલ મળી આવતા ખેતીવાડી અધિકારીએ દુકાનદાર બીપીન ડુંગર વડાવીયા સામે અનઅધિકૃત અને સરકારની માન્યતા વગર બિયારણ રાખી વેચાણ કરી પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986ની કલમ 15 તથા બિયારણ અધિનિયમ 1966ની કલમ 19 અને આવશ્યક ચીજવસ્તુ ધારો 1955ની કલમ 7 (1) (ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે એ ડિવીઝન પોલીસે આરોપી દુકાનદાર સામે ગુન્હો નોંધી તપાસ ચલાવતા પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.