મોરબીઃ હાલ રાજ્યમાં કોરોના લૉકડાઉન ચાલી રહ્યું છે અને જાહેરનામાં દ્વારા પાન, માવા અને તમાકુના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં વાંકાનેરમાં તમાકુ અને માવાની હેરાફેરી કરી વેચાણ કરાતા હોય તેવા પોલીસે પાંચ ઇસમોને ઝડપી લીધા છે.
લૉકડાઉનઃ વાંકાનેરમાંથી તમાકુ અને માવાની હેરાફેરી કરતા પાંચ લોકો ઝડપાયા
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી કોરોનાના ફેલાવાને રોકવા માટે લૉકડાઉન લાદવામાં આવ્યું છે, પરંતુ તેની વચ્ચે વાંકાનેરમાંથી તમાકુ અને માવાની હેરાફેરી કરતા 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન નવા ઢુવા ગામના નારસંગ ભગવાનભાઈ રજપૂત તેના મકાનમાં માવાના પાર્સલ તૈયાર કરી વેચાણ કરતા હોવાની માહિતીને પગલે પોલીસે આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં છૂટક તમાકુ અને તૈયાર માવાના પાર્સલ અને ચૂનાના પાર્સલ મળી આવ્યા હતા. જે મુદામાલ તેને પંચાસીયા ગામમાંથી લીધા હતા અને વાંકાનેરના લક્ષ્મીપરા દરગાહ સામે શેરીમાં રહેતા અનવરભાઈને ત્યાંથી તમાકુ લઇ આવ્યાની કબુલાત આપી હતી.
આમ માવા અને તમાકુની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓ નારસંગ ભગવાનજી ડાભી, ખુર્શીદ અલાઉદિન શેરશીયા, મહમદસફી અનવરહુશેન પરાસરા, જાકીરહુશેન મહમદ રાઠોડ અને અનવરહુશેન નુરમામદ પરાસરા એમ પાંચ લોકોને ઝડપીને તમાકુ, તમાકુ બનાવટના સાધનો સહિત કુલ રૂપિયા 2,17,025નો મુદામાલ જપ્ત કર્યો હતો.