મોરબીઃ જિલ્લામાંથી 6,294 સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તાલુકા કક્ષાએ 14 અને જિલ્લા કક્ષાએ 9 સ્પર્ધાઓમાં ભાગ લીધો હોવાની માહિતી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે આપી હતી. તાલુકા કક્ષાની સ્પર્ધા બાદ જિલ્લા કક્ષાએ કુલ 23 સ્પર્ધાઓ માટે આજના પ્રથમ દિવસે 1200 સ્પર્ધકોએ કલાના કામણ પાથર્યા હતા. ગરબા, રાસ, લોકનૃત્ય, ભરતનાટય, કથક, વાદન, ગાયન, અભિનય, સાહિત્ય સહિત અન્ય સ્પર્ધાઓ માટે આગામી બે દિવસમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કુલ 2500થી વધુ કલાકારો ભાગ લઇને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામશે.
મોરબીમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 2500 સ્પર્ધકો, જામશે જંગ
ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા તેમજ છેલ્લા 53 વર્ષથી રેડીયોના A Grade Artist સિનીયર કલાસીકલ વોકલ આર્ટીસ્ટ શારદાબેન રાવે વિશેષ ઉપસ્થિત રહી કલાકારોને બિરદાવ્યા હતા. મોરબીની સ્વામિ નારયણ ગુરૂકુળ સંસ્થા મધ્યે શનિવારે પ્રારંભ થયેલા ત્રિદિવસીય જિલ્લા કક્ષાના મહાકુંભમાં ઉદ્દઘાટક ડૉ કરણરાજ વાઘેલાએ તાલુકા કક્ષાએ વિજેતા થઇને આવેલા કલાકારોને પ્રોત્સાહિત કરી જિલ્લા કક્ષામાં વિજેતા થનાર કલાકારોને રાજ્ય કક્ષાએ વિજેતા થવાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે તેઓએ પોતાના બાળપણ અંગેના પણ સંસ્મરણો યાદ કર્યા હતા.
જિલ્લા કક્ષના કલા મહાકુંભના ઉદ્દઘાટન સમારંભમાં માળીયા ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા, સિનીયર કોચ રવીભાઇ, વ્યાયામ શિક્ષક સંઘના મહામંત્રી બી.આર. હુંબલ, હંસરાજ પાંચોટીયા સહિત મોટી સંખ્યામાં કલાકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.