મહેસાણાઃ અમદાવાદની શ્રેય હોસ્પિટલના કોવિડ-19 ICU વોર્ડમાં આગની દુર્ઘટના બાદ રાજ્યની તમામ નગરપાલિકાને શહેરોમાં આવેલા કોવિડ સેન્ટરો અને હોસ્પિટલો સહિતની મિલકતોમાં ફાયર સેફટીની વ્યવસ્થા અને NOC મામલે તપાસ માટે અહેવાલ મગાવવામાં આવ્યાં હતા. આદેશને પગલે વિસનગર નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર ઇન્સ્પેક્ટરે શહેરના બે કોવિડ-19 સેન્ટર કુમાર છાત્રાલય અને નૂતન મેડિકલ હોસ્પિટલની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી.
નૂતન મેડિકલ હોસ્પિટલમાં તપાસ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપર બહુમાળી ઇમારત હોવા છતાં ફાયર સેફટી એલાર્મ અને હૉજવેઝ સહિત કેટલાક અગ્નિશામકની સતર્કતા દાખવતા સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. વિસનગરની કુમાર છાત્રાલયમાં કોવિડ-19 માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ઇમારતમાં પણ ફાયર સેફટીના નામે મીંડું હોવાનું સામે આવ્યું છે.