- કોરોના મહામારી વચ્ચે 700 પાટીદાર સમાજની અનોખી પહેલ
- લોકોને આર્થિક નુકસાનીથી બચાવવાનો હેતુ
- 700 સમાજ 1 રૂપિયા ટોકનમાં કરાવશે દીકરીઓના લગ્ન
- 1 રૂપિયાના ખર્ચમાં લાખોનો લગ્ન અવસર પાર પડશે
- સરકારની કોરોનાની ગાઈડ લાઇનને અનુસરીને લગ્નનું આયોજન
મહેસાણા: કોરોના મહામારી વચ્ચે અનેક પરિવારો અને સમાજની આર્થિક સ્થિતિ પર અસરો જોવા મળી રહી છે. ત્યારે આવા સંજોગોમાં આર્થિક રીતે પરિવાર અને સમાજ ભાંગી ન પડે માટે 700 પાટીદાર સમાજની કેટલીક સંસ્થાઓ દ્વારા સરકારની કોરોના ગાઈડ લાઇનને અનુસરીને માત્ર 1 રૂપિયામાં વર કન્યાના લગ્ન કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
1 રૂપિયાના ટોકનમાં કરાવશે દીકરીઓના લગ્ન વિસનગર ખાતે આવેલ 700 સમાજના વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા કોરોના સમયે સમાજના અનેક પરિવારો આર્થિક સંકળામણ અનુભવતા હોવાને લઈ તેમના સંતાનોના લગ્ન વિલંબિત ન થાય અને યોગ્ય ઉંમરે સમાજના યુવક યુવતીઓ લગ્નગ્રંથીથી જોડાઈ જાય તે માટે માત્ર 1 રૂપિયામાં લગ્ન કરી આપવાનું આયોજન કરાયું છે.
મહત્વનું છે કે, આયોજકો દ્વારા 1 રૂપિયો ટોકન આપી રજિસ્ટ્રેશન કરાવનાર યુવક યુવતીના પરિવારને લગ્નમાં જમણવાર, ચોરી, મંડપ, ભેટ સોગાદ સહિતની આયોજન કરી આપવામાં આવશે. તેમજ અહીં ટોકન પદ્ધતિથી લગ્નનું રજિસ્ટ્રેશન કરાવનાર પરિવારો લગ્ન સ્થળે કે, તેમના ઘરે પણ વરઘોડો, રાસ ગરબા કે, પછી સત્કાર સમારોહનું આયોજન નહિ કરે આમ આ સામાજિક સંગઠનો દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડ લાઇન અનુસરીને સામજિક અંતર, માસ્ક, અને સેનેટાઈઝરના ઉપયોગ સાથે સમાજને મદદરૂપ બનવા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો છે.