4 મિનિટમાં 4 લાખથી વધુના દાગીના ચોરી તસ્કરોની ટોળકી ફરાર મહેસાણા :ઊંઝા તાલુકાના ઉનાવા ગામે સાંચલ જ્વેલર્સ નામની દુકાનમાં તારીખ 29 જૂનના રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા. આ દુકાન બ્રાહ્મણની વાડી, નાયક વાસ પાસે આવેલી છે. ત્રણ ચોરોની ટોળકી રાત્રીના અંધારાનો લાભ લઇ જવેલર્સના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસ્યા હતા.
ચાર લાખથી વધુની ચોરી : આ ટોળકીએ 90 જેટલી ચાંદીની પાયલ, 40 ઝુડા અને સોનાના 45 વાળા, 20 કાંટીઓ, 4 વીંટી અને 4 કડીઓ ચોરી કરી હતી. આમ 130 ચાંદી અને 72 સોનાના દાગીના મળી કુલ રૂ. 4,17, 850 જેટલા દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે દુકાને પહોંચતા સંચાલક ખુશાંતભાઈએ ચોરી થયાની જાણ થઈ હતી. તેઓએ ઉનાવા પોલીસને આ બાબતે જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરતા જવેલર્સ સંચાલકની ફરિયાદ આધારે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
CCTV કેમેરામાં ઘટના કેદ : ઉનાવામાં બનેલ જવેલર્સની દુકાનમાં ચોરી મામલે પોલીસ તપાસ દરમિયાન જવેલર્સમાં લાગેલ CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જ્યારે 4.17 લાખના દાગીના ચોરી મામલે ડોગ સ્કોડ, FSL સહિત જિલ્લા પોલીસની વિવિધ ટીમો તપાસમાં લાગી છે. જેમાં CCTV ફૂટેજ અને તે વિસ્તારમાં મોબાઈલ ફોનની એક્ટિવિટીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસની કામગીરી સામે પ્રશ્ન : ઉંઝા તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે માટે અને કામનું ભારણ સરભર કરવા ઉનાવા પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. જોકે ઉનાવા ગામમાં જ જવેલર્સને ત્યાં રાત્રીના સમયે 4.17 લાખના દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ઉનાવા પોલીસ સ્ટેશન જે ગામમાં છે તેજ ગામમાં પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠવા પામ્યા છે.
- Mehsana Crime: લૂંટ કરીને રાજસ્થાન ભાગતા હતા ત્યાં પોલીસનો ભેટો થયો, 52.25 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
- Mehsana Crime: ઊંઝા તિરુપતિ માર્કેટમાં રહેતા મજૂર પાસેથી 2.30 કિલો લિક્વિડ અફીણનો જથ્થો મળ્યો