મહેસાણાઃ વિજાપુર તાલુકાના છેવાડે આવેલ અનંદપુરા વેડા ગામે છનાભાઈ ચૌધરીના પરિવારમાંથી દેશપ્રેમ અને દેશ સેવાની લાગણી ધરાવતા રામજીભાઈ ચૌધરી યુવાનીમાં પ્રવેશતા જ આર્મીમાં જોડાઈ ગયા હતાં. દેશ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હતા. તેઓ આર્મીમાં જોડાવવા માટે પરિવારની પણ મંજૂરી લીધા વગર જ આર્મીની પરીક્ષા આપી પસંદગી પામ્યા હતાં. દીકરો આર્મીમાં જવાનો હોવાનું સાંભળતા તેમના પ્રેમાળ હૃદયના માતાએ દીકરાને એકવાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રામજીભાઈ એ મનના હતા કે તેમનામાં રહેલા દેશ પ્રેમ પર માતાનો અવાજ દિલમાં જ દબાઈ રહ્યો અને અનંદપુરા વેડા ગામના આ જવાને ભારતીય સેનામાં ફરજ શરૂ કરી દીધી.
સામાન્ય રીતે રામજીભાઈએ પોતાની 12 વર્ષની ફરજ દરમિયાન અનેક બોર્ડરો પર પોતાની જવાબદારી નિભાવી હતી, પરંતુ તેમને શ્રીનગર પસંદ હોવાથી તેમણે બીજી વાર શ્રીનગરમાં પોતાના પરિવાર સાથે ફરજ પર જવાનો ઓર્ડર મેળવ્યો હતો. ત્યાં જ વર્ષ 1999માં જૂન જુલાઈ મહિનામાં કારગિલ પર ઘૂસણખોરી કરી દુશ્મનોએ હુમલો કર્યો હતો. આ યુદ્ધના સાક્ષી બનેલા રામજીભાઇએ દેશની રક્ષા કાજે લડાઈ લડ્યા હતાં. જો કે, યુદ્ધની સ્થિતિ વણસતી જોઈ પરિવારને ગુજરાત જવા રવાના કરી પોતે ફરજ પર રોકાયા હતાં. અંતે યુદ્ધ વિરામ બાદ પણ દુશ્મનો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા પોતાના મિત્રો સાથે ટેન્ટમાં બેઠેલા રામજીભાઈ સહિત 7 જવાનોને દુશમનોના ગોળીબારમાં ગોળીઓ વાગતા તેઓ શહીદ થયા હતાં.
માઈલો દૂર બનેલી આ ઘટનાની જાણ 7 દિવસે પરિવારને થતાં પરિવાર સહિત આસપાસના ગામોમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી. શહીદ વીર રામજીભાઈનો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને લાવતા વીરગતિ પામનારા વીરને શ્રદ્ધાંજલિ આપવા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભારતીય સેના દ્વારા વીરગતિ પામનારા આ શહીદ વીરને રાષ્ટ્રીય સન્માન સાથે ગાર્ડઓફ ઓનર સહિતની સલામી આપતા અંતિમ વિદાય અપવામાં આવી હતી.