યાત્રા ધામ બહુચરાજી ખાતે માગસર સુદ બીજના દિવસે 344 વર્ષ જૂની પરંપરા પ્રમાણે રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. 1800 લીટર કેરીનો રસ અને 5000 રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરાયો હતો.
યાત્રાધામ બહુચરાજી ખાતે વર્ષો જૂની રસ રોટલીની પરંપરા ઉજવાઈ - રસ રોટલીની પરંપરા
મહેસાણાઃ જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજી ખાતે માગશર સુદ બીજના દિવસે 344 વર્ષ જૂની પરંપરા પ્રમાણે રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે. ત્યારે પરંપરાની ઉજવણીના ભાગરૂપે આ વખતે 1800 લીટર કેરીનો રસ અને 5000 રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરાયો હતો.
ચુંવાળ પિઠાધિશ્વરી બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીએ ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા તેમની જ્ઞાતિને આજથી 344 વર્ષ પહેલાં માગશર માસમાં અશક્ય લાગતું રસ-રોટલી જમણ કરાવ્યું હતું. માઁ બહુચરના આ પરચાને જીવંત રાખવા માટે બહુચરાજીમાં માગશર સુદ બીજ નિમિત્તે શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર બહુચરાજી દ્વારા માઇભકતોના સહયોગથી 1800 લિટર કેરીનો રસ તેમજ 5000 રોટલીનો મહાપ્રસાદ શ્રદ્ધાળુઓને અપાયો હતો.
મૈયાનો રસ-રોટલીનો પ્રસાદ ગ્રહણ કરી હજારો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. માગશર સુદ બીજ નિમિત્તે મુખ્ય મંદિર, વલ્લભ ભટ્ટના ઓરડે અને માતાજીની ગાદીએ 500 કિલો મિઠાઈનો મહાઅન્નકૂટ તેમજ લાડુનો ગોખ ભરવામાં આવ્યો હતો.