મહેસાણા: 2500 વર્ષ જૂની ઐતિહાસિક નગરી એટલે વડનગર. વડાપ્રધાનના વતનની સાથે સાથે પૌરાણિક નગરી તરીકે વિશ્વની ફલક પર નામના છે, ત્યારે આ એક અંદાજ પ્રમાણે વડનગર પર વર્ષો પહેલા અનેક રાજા રજવાડા અને શાસનો આવ્યા અને ગયા છે. અહીં સોલંકી કાલીન કેટલાક ઇમારતી પુરાવા જમીન માંથી મળતા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પુરાતન વિભાગની મદદ લઇ એક સર્વે પ્રમાણે વર્ષે 2007 આજ દિન સુધી શહેરની જુદી જુદી જગ્યાઓ પર જમીનમાં ખોદકામ કરી સંશોધનો કરવામાં આવી રહ્યા છે.
ઐતિહાસિક નગરી વડનગરમાંથી પુરાતન મંદિરના અવશેષો મળ્યા - Mehsana samachar
ઐતિહાસિક ધરોહર એવા વડાપ્રધાનના વતન તરીકે જાણીતા વડનગરમાં કેન્દ્રીય પુરાતન વિભાગ દ્વારા વધુએ એક વાર ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં પ્રાથમિક સંશોધન દરમિયાન મુસ્લિમ કાલીન દીવાલો અને મંદિરનું એક સ્ટ્રક્ચર ખંડિત હાલતમાં મળી આવ્યું છે. જો કે, હાલમાં પણ જમીનની અંદર ઊંડે સુધી જઈ સંશોધન કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
વડનગર રેલવે ફાટક નજીક આવેલ અનાજના ગોડાઉન પાસે અને અમરથોળ દરવાજા પાસે શર્મિષ્ઠા તળાવના તટે વધુ બે જમીનો પર ખોદકામ કરી સંશોધન હાથ ધરાયું છે, ત્યારે પુરાતન વિભાગને જમીનમાં ખોદકામ કરતા પ્રાથમિક તબક્કે મુસ્લિમ કાળમાં નિર્મિત હોય તેવા મંદિરના કેટલાક અવશેષો, શંખની બંગડીઓ અને કેટલાક સિક્કાઓ સહિત જુદા જુદા સ્ટ્રક્ચર જમીનમાંથી મળી આવ્યા છે.
હાલમાં જમીનમાંથી નીકળેલ અવશેષો બાબતે પુરાતન વિભાગે કોઈ સ્પષ્ટ કરેલ નથી, પરંતુ દેશની જુદી જુદી લેબોરેટરી અને ઇતિહાસના કેટલાક પુસ્તકો આધારે અહીં જમીનમાંથી મળતા પુરાવાની ખાત્રી કરવામાં આવશે. જો કે, પુરાતન વિભાગ હજુ પણ આ જમીનમાં ઊંડે સુધી પહોંચી વધુ કેટલાક સંશોધનો કરનાર છે. ત્યારે જોવું રહેશે કે, આ રહસ્મય વડનગરની ઘરા પર હજુ કેટલી ચોંકાવનારી હકીકતો સામે આવે છે.