સામાન્ય રીતે સામાજિક રીતભાત અને રિવાજોએ પરિવાર અને સમાજનું ઘરેણું માનવામાં આવે છે, પરંતુ અતિગતિએ બદલાતા આજના સમયમાં પ્રેમ લગ્નના નામે થતાં નુકસાનને અટકાવવા પાટીદાર એકતા સમિતિ જેવા અનેક સમાજ અને જ્ઞાતીના આગેવાનોએ સાથે મળી કડીમાં નારી એકતા ગ્રુપની શરૂઆત કરી છે.
પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે સામાજિક સંઘઠનોની કડીમાં આવેદનપત્ર આપી રજુઆત સોમવાર આ ગ્રુપના આયોજકો અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મળી મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા એક જાહેર સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રેલી સ્વરૂપે તમામ સભ્યો કડી પોલિસ મથકે પહોંચી ત્યાં ઉપસ્થિત મામલતદારને આવેદનપત્ર આપી પ્રેમ લગ્ન અંગેના કાયદા અને નીતિ નિયમો બદલાવ કરવા સરકારમાં વિનંતી કરાઈ છે.
આવેદનપત્ર દ્વારા સરકારમાં રજૂઆત કરતા આજે જે પ્રેમ લગ્નમાં છોકરાની વય 21 અને છોકરીની 18 રાખવામાં આવી છે, તે હવે બન્નેની 21 કરવામાં આવે અને 25 વર્ષ સુધી કોઈ પણ સંતાન પ્રેમ લગ્ન કરે તો તેમાં સાક્ષી તરીકે માતાપિતાને લેવામાં આવે જ્યારે 25 વર્ષ બાદ જો કોઈ યુવાઓ પ્રેમ લગ્ન કરે તો તેમના 4 સાક્ષી હોવા જોઈએ અને તે પણ 35 વર્ષ કે, તેથી વધુ વય ધરાવતા હોવા જોઈએ.
જ્યારે પ્રેમ લગ્નની ફી પણ 1 લાખ સુધી લેવામાં આવે જે ફી લગ્ન કરનાર છોકરો છોકરીના નામે ફિક્સ ડિપોજિટ કરાવે અને તે રૂપિયા 10 વર્ષ પછી પરિણીતાને મળે સહિતના વિવિધ મુદ્દાઓને પ્રેમ લગ્નના નીતિનિયમો અને કાયદામાં સુધારવા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. જો કે, આ નારી એકતા ગ્રુપ દ્વાર આ લડતને આગળ ધપાવતા તમામ ધારાસભ્યો અને સરકારી પદાધિકારીઓને પણ પત્ર લખી આ મામલે રજૂઆત કરવામાં આવશે.