- વરતારામાં ચોમાસુ એકંદરે સારુ, વર્ષ દરમિયાન અનાજ નહી ખુટે
- ખેડૂતોને યોગ્ય સમયે ઓજારો મેળવવા મુશ્કેલી પડી શકે
- પાલોદર ગામે પરંપરા ઉજવાઈ
મહેસાણાઃ જિલ્લાના યાત્રાધામ પાલોદરમાં કોરોના વાઇરસના પગલે સાવચેતી ભાગરૂપે સતત બીજા વર્ષે શ્રી ચોસઠ જોગણીયો માતાજીનો લોકમેળો(જાતર) મોકુફ રાખવામા આવ્યો છે. જોકે પરંપરાગત પ્રથા પ્રથમ દિવસે ચાલુ રહી હતી. શ્રી ચોસઠ જોગણીયો માતાજીના મુળ સ્થાનક એવા મહેસાણા નજીકના પાલોદર ગામમાં 8મી એપ્રીલ ગુરુવારે ચાર કલાકના સમયે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડુતલક્ષી સુકન જોવાયા હતા.
આ પણ વાંચોઃ હોળીની જાળ પરથી વરતારો : જાણો શું કહે છે આગાહીકારો?
આ વર્ષે ચોમાસુ એકંદરે સારુ રહેશેઃ જયપ્રકાશ પંડ્યા
જયપ્રકાશ પંડ્યાએ શુકન પરથી નીકળેલા વરતારા અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ વર્ષે ચોમાસુ એકંદરે સારુ રહેશે. તેમજ બજારમાં વર્ષ દરમિયાન અનાજની કમી નહી જોવા મળે. જેઠ મહિનામાં સામાન્ય વરસાદ પડશે. અષાઢ મહિનાની ગોળી પનીહારીના ત્રીજા ફેરામાં જ પુરેપુરી ભરાઇ ઉભરાઇ ગઇ હતી. જેનો વરતારો જોઇએ તો અષાઢ મહિનાના પહેલા 15 દિવસ વરસાદ પુષ્કળ પળવાની શક્યતા છે. આસો મહિનાની વાદળી રસ્તામાં પણ સતત વરસતી જોવા મળી હતી. જેના પરથી વરતારો જોઇએ તો આસો મહિનાના પહેલા 15 દિવસ એટલે કે નવરાત્રીના સમયે વરસાદ છુટો છવાયો ચાલુ રહેશે. નવરાત્રીની વાદળીયો વરસતી જ રહેશે. ચોમાસાના બાકીના મહિનાઓમાં વરસાદ મધ્યમ રહેશે. જય પ્રકાશ પંડ્યાએ વરતારાના આધારે વધુમાં જણાવ્યુ હતુ કે, વહેલી સવારે હળ બનાવવા માટે લાકડુ લેવા જવામાં ખેડૂતો સમય સાચવી શક્યા ન હતા. જેના પરથી વરતારો જોઇએ તો ખેડૂતોને આ વર્ષે હળ સહિત ખેતીને લગતા ઓજારો યોગ્ય સમયે મળવા મુશ્કેલ બનશે. ટ્રેક્ટરની જે દિવસે જરૂર હોય તે દિવસે ન મળે અને બીજા દિવસે મળે એવું માની શકાય.
કયા ખેતી પાક સારા થશે..?
ફુલોના હાર જેને ફુલોનો શેર કહેવામાં આવે છે, માતાજીને અર્પણ કરવામાં આવેલા શેરોમાં 100 ટકા તાજા જે પૈકી 80 ટકા પીળા ફુલો અને લાલ ફુલ 20 ટકા નીકળ્યા હતા. જ્યારે સફેદ ફુલ નહીવત હતા. જેના પરથી વરતારો જોઇએ તો પીળા ફુલવાળા પાક જેવા કે રાયડો, બાજરી, વરીયાળી, સવા, મકાઇ, મગ, તુવેર, ચોળી, તલ, મઠ સહિતનું ઉત્પાદન સારુ મળશે. લાલ ફુલ એટલે કે ફુલોના ધંધામાં પણ તેજી રહેશે. જ્યારે કપાસમાં પહેલા લાલ ફુલ બેસે છે તેથી તેમાં પણ તેજી રહેશે તેવો વરતારો જોવા મળ્યો છે.