મહેસાણાઃ જિલ્લામાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને- દિવસે વધી રહ્યું છે. છેલ્લા ચાર માસથી વિદ્યાર્થીઓ શાળા જઇ શકતા નથી. શાળા દ્વારા આપવામાં આવતા ઓનલાઈન શિક્ષણમાં ક્યાંક નેટવર્કની તકલીફ તો મધ્યમ અને ગરીબ પરિવારના બાળકો પાસે સ્માર્ટ ફોન ન હોવાને કારણે ઓનલાઈન શિક્ષણ નથી લઈ શકતા, ત્યારે આજે વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે શિક્ષણ જગતમાં ઉલટી ગંગા જોવા મળી છે. શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શિક્ષકો વિદ્યાર્થીઓને ઘરે જઇ અભ્યાસ કરાવે છે. જેનાથી વિદ્યાર્થીઓને પણ શિક્ષક ઘરે રૂબરૂમાં આવી ભણાવતા હોવાથી ઓનલાઈન કરતા પણ સારી રીતે અભ્યાસનો અનુભવ કરી રહ્યા છે.
પિલવાઈની શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને આપે છે ડોર ટુ ડોર શિક્ષણ - gujarat news
શિક્ષણ એ જીવનના ઘડતરનો પાયો છે અને શિક્ષણથી જ કોઈ વ્યક્તિનું ભવિષ્ય ઉજળું થતું હોય છે. તો હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીએ શિક્ષણકાર્યમાં પણ અવરોધ ઉભો કર્યો છે, ત્યારે શિક્ષણનો જ્ઞાન સાગર અવિરત રાખવા વિજાપુરના પિલવાઈ ખાતે આવેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ઓનલાઈન શિક્ષણની સાથે એક નવતર પ્રયોગ કર્યો છે.

મહત્વનું છે કે, કોરોના કાળ આર્થિક, સામજિક, ઔદ્યોગિક અને શિક્ષણ ક્ષેત્રે અવરોધ રૂપ સાબિત થયો છે, ત્યારે પિલવાઈ ગામની આ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં પડતી નેટવર્ક કે સ્માર્ટફોન ન હોવા સહિતની સમસ્યા દૂર કરી છે. વિદ્યાર્થીઓના ઘરે- ઘરે જઈ સેનેટાઇઝર અને માસ્ક ગિફ્ટમાં આપી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સામજિક અંતર બનાવી જ્ઞાન સાગરને અવિરત રાખી રહ્યા છે.
આજે આ મહામારી કાળમાં વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા કરતા પિલવાઈની એક સામાન્ય ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ ખરા અર્થમાં શિક્ષણ જગતના કોરોના યોદ્ધા તરીકે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે. ત્યારે અન્ય શિક્ષકોને પણ માસ્ક સેનેટાઇઝર અને સામજિક અંતર સાથે શિક્ષણ આપવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.